શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર મહિલા પોલીસ કર્મચારીનો પતિ વાડજ પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. રાણીપ જૂના સ્વામીનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી (26) 2016માં કોન્સ્ટેબલ (એલઆરડી) તરીકે ભરતી થયાં હતાં. જ્યારે હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં.
દોઢ વર્ષ પહેલાં જ ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ વલ્લભભાઈ ડાભી સાથે થયા હતા. ગુરુવારે સાંજે ભાવનાબહેન અને ભદ્રેશ ઘરમાં હાજર હતા. ત્યારે ભદ્રેશભાઈ અંદર બેડરૂમમાં સુતા હતા. જ્યારે ભાવનાબહેને તે જ સમયે ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. લગભગ સાંજે 7 વાગ્યે ભદ્રેશભાઈ બહાર ગયા અને જોયું તો ભાવનાબહેને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા બંનેના પરિવારના સભ્યો તેમજ રાણીપ પોલીસ આવી પહોંચી હતી.
આ અંગે રાણીપ પીઆઈ પરેશ ખાંભલા એ જણાવ્યું હતુ કે, હાલમાં આત્મહત્યા અંગે ગુનો નોંધી ભાવનાબહેનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવા તજવીજ શરૂ કરી છે. દોઢ વર્ષના લગ્ન ગાળામાં ભાવનાબહેન અને ભદ્રેશભાઈ વચ્ચે નાની – નાની બાબતે કંકાસ ચાલી રહ્યો હતો. જેનાથી તંગ આવીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. 15 દિવસ પહેલાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી હતી.
ભાવનાબહેન અને ભદ્રેશભાઈ બંને 5 દિવસથી રજા ઉપર જ હતા. જ્યારે બંને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થયા હતા. નોકરીને જઈને આવ્યા બાદ ભાવનાબહેને ઘરે જઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ભાવના બહેન અને ભદ્રેશ વચ્ચે કયા કારણથી કંકાસ ચાલી રહ્યો હતો તે જાણવા માટે પોલીસે ભદ્રેશભાઈ, બંનેના પરિવારના સભ્યો તેમજ સ્થાનિક રહીશોની પૂછપરછ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતા રાણીપ પોલીસ ભાવનાબહેનના ઘરે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા ઘરમાંથી કોઇ પણ પ્રકારની ચિઠ્ઠી કે લખાણ મળ્યું ન હતું. જો કે આ ઘટના બની ત્યારે ભદ્રેશભાઈ પણ ઘરમાં જ હાજર હતા. જેથી પોલીસે તેમની પણ સઘન પૂછપરછ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પતિ-પત્ની વચ્ચે સામાજિક ખટરાગ હતો.