Satya Tv News

ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં
માર્ગ અને મકાન વિભાગ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું
પુલ ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત વર્તાઇ રહી

નેત્રંગના થવા નજીક ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી ઉપરનો પુલ અત્યંત જર્જરીત હાલતમાં થઈ જવા પામ્યો છે,જેથી વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાય રહ્યો છે.આ પુલ ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત વર્તાઇ રહી છે.

અંકલેશ્વર-બુરહાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ આદિવાસી વિસ્તારના પછાત તાલુકા- જીલ્લા અને મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશ રાજ્યના ગામડાઓ અને શહેરી વિસ્તારોને જોડે છે.જ્યારે ગુજરાત રાજય માંથી પણ અંકલેશ્વર,ભરૂચ,વડોદરા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ વિસ્તારોમાં વાહનવ્યવહાર બેફામ દોડી રહ્યા છે. રેતી ભરેલા હાઇવા-ડમ્પરો પણ રાત-દિવસ ત્રણ ગણી સંખ્યામાં દોડી રહ્યા છે. તેવા સંજોગોમાં નેત્રંગ- દેડિયાપાડા રોડ ઉપર આવેલ અને નેત્રંગ તાલુકાના થવા ગામની સીમ માંથી પસાર થતી કરજણ નદી ઉપરના પુલની હાલત દિન-પ્રતિદિન જજૅરીત થઇ રહી છે. જેમાં પુલની રેલીંગ તુટેલી હાલતમાં છે છતાં પણ તંત્રને દેખાતું નથી? પુલ ઉપરથી વરસાદી પાણીમાં ડામરનું ધોવાણ થતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. પુલના પિલ્લરો અને નીચેના ભાગથી સિમેન્ટ-કોંક્રીટના પોપડા નીકળતા સળીયા દેખાવા માંડતા ગમે ત્યારે મોટી હોનારત બનવાની શક્યતાઓ છે.

રાત-દિવસ ચાલતા વાહનચાલકોની મામુલી ગફ્ફતના કારણે જીવલેણ અકસ્માતનો ભોગ બનવું પડી શકે છે. જેથી રાહદારીઓ, મુસાફરો અને વાહનચાલકો જીવના જોખમે આ પુલ ઉપરથી પસાર થવા મજબુર બન્યા છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. જેમાં વાહન ચાલકો અને આમ પ્રજાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પુલના સમારકામ કરવા લોકમાંગ ઉઠી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: