વાલિયા તાલુકાના ગામોમાં એક અઠવાડિયામાં વીજ કંપનીની ટીમોએ બીજીવાર દરોડા પાડી અઢી લાખની વીજ ગેરરીતિ ઝડપી પાડી હતી.
વાલિયા તાલુકામાં વીજ ચોરીનું દુષણ જોવા મળી રહ્યું છે. શહેરોમાં અને ગામોમાં ડિજિટલ સીલ બંધ મીટર હોવા છતાં વીજચોરો પોતાનો કસબ અજમાવી રહ્યા છે તો કેટલાક વિસ્તારો અને ગામોમાં વીજ કંપનીને હજી મીટરો પણ બદલવા દેવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠે છે.વીજ ચોરીને ડામવા ડીજીવીસીએલ ભરૂચ સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ અને તેની વિજિલન્સ ટીમો સમયાંતરે ડ્રાઈવ યોજી દરોડા પાડી ચેકીંગની કાર્યવાહી હાથ ધરે છે.ત્યારે એક અઠવાડિયામાં સતત બીજી વાર આજે વાલિયા તાલુકાના ગામોમાં વીજ કંપનીની ટીમોએ ધામાં નાખી લાખોની વીજ ચોરી પકડી પાડી હતી.
ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ ભરૂચ સર્કલ વિજિલન્સ ટીમ અને સુરતની મળી સાત ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા વાલિયા ટાઉન ફીડર ઉપર વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વિજીલન્સની ટીમોએ 232 વીજ કનેક્શન ચેક કરતા 10 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી વીજ ચોરી કરતા 10 જેટલા ગ્રાહકોને રૂપિયા અઢી લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.