Satya Tv News

વડોદરામાં સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં એસટી બસના કંડક્ટરને અપશબ્દો કરી માર માર્યાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ગુજરાતમાં એક તરફ પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવાની વાતો કરે છે અને બીજી તરફ પોલીસકર્મી જ દારૂ પીને ધમાલ મચાવતા હોવાની ઘટના સામે આવી છે. શહેરના સેન્ટ્રલ એસટી બસ ડેપોમાં નવસારીથી પાટણ જતી બસ ગત મોડી રાત્રે આવી હતી. દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો LRD જવાન LRD રાજેશદાન મોરારદાન ગઢવી (હાલ રહે. વડોદરા સેન્ટ્રલ જેલ ક્વાટર્સ, વડોદરા શહેર. મૂળ રહે. પાણવી ગામ, જીલ્લો પાટણ) ડેપોમાં જવાના રસ્તા વચ્ચે ઉભો હતો.

જેથી બસના કંડક્ટર વિષ્ણુભાઇ હમીરભાઇ દેસાઇએ પોલીસકર્મી રાજેશદાનને સાઇડમાં ઉભા રહેવા કહ્યું હતું જેથી બસ સેન્ટ્રલ ડેપોની અંદર જઇ શકે. આ સાંભળી પોલીસકર્મી રાજેશદાન ઉશ્કેરાઇ ગયો હતો અને કંડક્ટરને અપશબ્દો કહેવા લાગ્યો હતો. જો કે આ બાબતે બસના કંડક્ટરે વધુ ધ્યાન ન આપી તેઓ બસ ડેપોમાં ગયા હતા. બસ એસટી ડેપોમાં પાર્ક કરતા કંડક્ટર વિષ્ણુભાઇની ઉતર્યા હતા. આ દરમિયાન પ્લોટફોર્મ પર પોલીસકર્મી રાજેશદાન આવ્યો હતો અને તું મને ઓળખે છે? હું પોલીસવાળો છું કહી અપશબ્દો કહ્યા તેમજ કંડક્ટરને બે-ત્રણ લાફા ઝીંકી દીધા તેમજ માર મારવા લાગ્યો હતો.

આ ઘટના જોઇ બસના ડ્રાયવર અને ત્યાં હાજર મુસાફરો દોડી આવ્યા હતા અને દારૂના નશામાં માર મારી રહેલા રાજેશદાન પાસેથી કંડક્ટરને છોડાવ્યો હતો. આ અંગે વડોદરા એસટી ડેપોમાંથી પોલીસને કોલ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને દારૂના નશામાં મારામારી કરનાર પોતાના પોલીસ સ્ટેશનના જ પોલીસકર્મીને ઝડપી લીધો હતો. રાજેશદાન સામે સયાજીગંજ પોલીસે દારૂ પીવા તેમજ મારામારી કરવા મામલે બે જુદાજુદા કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ તે દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે પણ તપાસ હાથધરવામાં આવી છે. સાથે તેની સામે ખાતાકીય તપાસ પણ સોંપવામાં આવી છે.

error: