અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ આસપાસ છેલ્લા ચાર દિવસથી સિંહોના આટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગતરાત્રે એક સિંહે આરામ ફરમાવી રહેલા વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. ચિતાની માફક સિંહે પાછળથી દોટ મુકીને વાછરડાનો શિકાર કર્યા હતો. જેના રોચક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. સામે આવેલા સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ગણતરીની સેકન્ડોમાં વાછરડાને મોઢામાં બદોચીને સિંહ ઢસડીને દુર લઇ જાય છે.
અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવાર શિકારની શોધમાં સિંહ આવી ચડતા હોવાના દ્રશ્યો જોવા મળે છે. રાજુલાના વાવડી ગામમાં ત્રણ દિવસ પહેલાં જ એક સિંહણે 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો હતો. ત્યારે ગતરાત્રીએ જાફરાબાદના લોઠપુરમાં જાહેરમાં સિંહે એક વાછરડાનો શિકાર કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આરામ ફરમાવી રહેલા વાછરડાની સિંહે પાછળથી દોડ મુકી છલાંગ લગાવી શિકાર કર્યો હતો. શિકાર માટે સિંહે તરાપ મારી વાછરડાને ગળાના ભાગે પકડી લીધું હતું. જે બાદ વાછરડાને પોતાની સાથે લઈ ગયો હતો.
મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં સિંહ પરીવાર વસવાટ છે. તે પૈકીના સિંહ-સિંહણો અનેકવાર ખોરાક અને પાણીની શોધમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડે છે. ત્યારે ઘણીવાર કોઈ પશુ મળી જાય તો શિકાર પણ કર્યાની ઘટનાઓ સામે આવી છે.