ગોડાદરામાં ત્રણ હેલિપેડ બનાવવા માટે પાલિકાએ 30 વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન કાઢી નાખ્યું હતું. એક ટેમ્પોમાં વૃક્ષોની સેંકડો ડાળખીઓ ભરીને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવી હતી. હાલમાં જ વડાપ્રધાને પર્યાવરણ સાચવવા માટે સૂચના આપી હતી અને બીજીતરફ પાલિકા તંત્રએ વૃક્ષોની છટણી કરી નાખી હતી. ગોડાદરા રોડ ખાતે આવેલી મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ સામેના મેદાનમાં વડાપ્રધાનનું હેલિકોપ્ટર ઉતરશે.
જમીન સપાટ કરવાની કામગીરી ચાલી રહી છે. હેલીકૉપ્ટર ઉતરવાનું હોવાને લીધે મેદાનની દીવાલને અડીને આવેલી ઝાડની શૃંખલાને ટ્રીમિંગના નામે વાઢી નાખવામાં આવી હતી. મજબૂત ડાળને કાપી ટેમ્પોમાં ભરી જગ્યા સાફ કરવામાં આવી હતી. મસમોટા વૃક્ષોની મોટાભાગની ડાળીઓ કાપી નાખવામાં આવતા જાણે ઠુંઠાની હાળમાળા ઉભી હોય એમ લાગી રહ્યું હતું.
પરવાનગી બાદ જ તમામ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાયું હેલીકૉપટરના પંખાને કારણે ઉભા થતા પવનની તાકાત વધારે હોય છે. ઝાડ ન કાપો તો ઝાડ પડી જવાની ભીતિ હોય છે. હેલિપેડ નજીક કેટલાક નડતરરૂપ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ ઉચ્ચ અધિકારીઓની પરવાનગીથી કરવામાં આવ્યું છે. – પરેશ રાંદેરીયા, ઇન્ચાર્જ ગાર્ડન સુપ્રીટેન્ડન્ટ
ગોડાદરાની મહર્ષિ અસ્તિક સ્કૂલના ગ્રાઉન્ડમાં એક સાઈડ પર 30 જૂના વૃક્ષોને પાલિકાએ સદંતર બોડાં કરી નાંખ્યાં છે. હવે આ તમામ વૃક્ષોને ફરી ઘટાદાર થતા વર્ષો લાગી જશે