દહેગામ શહેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ દરમિયાન મહિલાનું અગમ્ય કારણોસર અચાનક મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતા આરોગ્ય કેન્દ્ર પર પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે પરિવારજનોના આક્ષેપ સાંભળ્યા બાદ પેનલ ડોક્ટરની મદદથી મૃતદેહને PM માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃત મહિલાના પતિએ આક્ષેપ કર્યો કે, સવારે 9 વાગ્યે દવાખાનામાં લાવ્યા હતા. 10 વાગ્યે લેબોરેટરી રિપોર્ટ કરાવાયા બાદ 11 વાગ્યે ઓપરેશન માટે લઈ ગયા હતા. ત્યારબાદ 12.30 વાગ્યે તપાસ કરવા પૂછ્યું કે ઓપરેશન થયું નથી કે શું ? તો જણાવ્યું કે બેન ગંભીર હોવાથી ગાંધીનગરથી ડૉક્ટર બોલાવ્યા છે. 1 વાગ્યે પૂછતા જણાવ્યું કે બેન મૃત્યુ પામ્યા છે.
દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સંગીતાબેન સવારે 10 વાગ્યે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે દાખલ થયા હતા. ઓપરેશન માટે લેબોરેટરી તેમજ શારીરિક તપાસ કરવામાં આવી હતી. ડૉ. સાહેબ દ્વારા કાપો મૂકતા શોકમાં જતાં તાત્કાલીક સારવારમાં હૃદય બંધ થઈ જતાં તેમના હૃદયને પુન: કાર્યરત કરવા માટે MD એનેસ્થેસિયા જેવા ડૉક્ટરોની મદદથી પ્રયાસ કરાયો હતો પરંતુ વારંવાર ચાલુ બંધ થતું હર્દય સાવ બંધ થતાં ડોકટરના અથાગ પ્રયત્નો નિષ્ફળ જતાં મૃત્યુ પામ્યા હતા જે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉ સ્વામિનારાયણે જણાવ્યું હતું.
પરિવારજનોનો ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ આ અંગે દહેગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જો ડોક્ટરની બેદરકારી જણાશે તો ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું