Satya Tv News

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ ગામ ખાતે અગાઉના ઝઘડાની અદાવતમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા-પુત્રની ત્રિપુટીએ પાડોશી યુવાન ઉપર તિક્ષ્ણ હથિયાર અને લાકડીઓથી હુમલો કરતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે પોલીસે હત્યારા પિતા-પુત્ર સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરીને ત્રણેયની ધરપકડ કરી છે.

બાપોદ પોલીસ મથકમાં મૃતકના ભાઈ પ્રવીણભાઈ વાલાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ અમો બાપોદ ગામમાં ભરવાડ વાસમાં રહીએ છે. પાડોશી લાલા ખોડાભાઈ ભરવાડ સાથે મારા મોટાભાઈ જગદીશ વચ્ચે અગાઉ અમારા ઘરે નહીં આવવા બાબતે ઝઘડો થયો હતો . ત્યારબાદ પણ આ બાબતે અવારનવાર બોલાચાલી થતી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે મારી બહેને ફોન કરી જણાવ્યું હતું કે જગદીશભાઈનો પાડોશી ખોડાભાઈ તથા તેના દીકરા લાલા ખોડાભાઈ ભરવાડ અને દિનેશ ખોડાભાઈ ભરવાડ ( તમામ રહે – ભરવાડ વાસ, બાપોદ ગામ, વાઘોડિયા રોડ ) સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં હુમલાખોરોએ લાકડી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા જગદીશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે પ્રવિણભાઇ ભરવાડ આણંદ ગયા હતા. આણંદ ખાતે તેઓને બનાવની જાણ થતાં તુરંત જ વડોદરા દોડી આવ્યા હતા. ઘરે આવીને જોતા ભાઇ જગદીશ ભરવાડ લોહીના ખાબોચીયામાં પડેલો હતો. ભાઇની લાશ જોઇ તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. આ બનાવે સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ આ બનાવની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી

error: