હિમાચલના કુલ્લુમાં ગઈ રાત્રે થયેલા એક ટ્રાવેલર ટેમ્પોના અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. 10 ગંભીર રીતે ઘાયલ છે. ગઈ રાત્રે 8:45 કલાકે ટ્રાવેલર ટેમ્પો ગિલોરી નજીક ઘિયાગી તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પો ઉંડી ખીણમાં ખાબક્યો હતો. કુલ્લુના એસપી ગુરુદેવ શર્માએ આ વાતની પુષ્ટિ કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં 5 પુરુષ અને 2 મહિલાઓ સામેલ છે. બસમાં ડ્રાઈવર સહીત 17 લોકો સવાર હતા. તેમાંથી 4 IIT BHU વારાણસીના વિદ્યાર્થીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. સાત મૃતદેહ મળી આવ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
બંજરના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ લગભગ 12:45 વાગ્યે ફેસબુક લાઈવ કરીને અકસ્માતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રવાસીઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહીત અનેક રાજ્યોના મુસાફરો ટેમ્પોમાં સવાર હતા.
ધારાસભ્યએ કહ્યું કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને અંધારું હોવા છતાં બચાવ કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. અને સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.
બસમાં સવાર લોકોમાં ચાર IIT BHU વારાણસીના વિદ્યાર્થીઓ પણ હોવાનું કહેવાય છે. IIT પ્રશાસનના જણાવ્યા અનુસાર ઘાયલોમાં કાનપુરની રહેવાસી નિષ્ઠા બોડાની (30), રાજસ્થાનના જયપુરના રહેવાસી લક્ષ્ય સિંહ (21) અને હરિયાણાના ફરીદાબાદના રહેવાસી ઈશાન ગુપ્તા (23)નો સમાવેશ થાય છે. આ તમામ IIT BHUમાં ચોથા વર્ષના વિદ્યાર્થીઓ છે.
કુલ્લુના એસપી ગુરુદેવ શર્માના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની અને બંને વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. બધા બંજર ખાતેની હોસ્પિટલમાં દાખલ છે. IIT BHU ના ડિરેક્ટર પ્રો. પી.કે જૈનના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીઓના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના પરિવારજનો તેમને લેવા માટે કુલ્લુ જવા રવાના થયા છે.
બંજર વિધાનસભા ક્ષેત્રના ઘિયાગીમાં હાઈવે-305 પર રવિવારે રાત્રે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ઘાયલ 10માંથી 5 ઘાયલ કુલ્લુના ઝોનલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે 5 બંજરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હાલ તમામ ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની તપાસ અને સારવાર માટે ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી છે. જો કે તમામ ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કેટલાક ઘાયલોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલોનું ઓપરેશન કરવાની સ્થિતિમાં છે. બીજી તરફ એસપી ગુરદેવ સિંહે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બાકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.