6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 1290 બંડલ, નોટોનું રહસ્ય ખૂલતાં પોલીસ પણ ચોકી ઊઠી
ડુપ્લિકેટ નોટ સુરતના યોગીચોકના કોઈ ઇસમ પાસે લીધી હતી
6 સ્ટીલની પેટીમાંથી મળ્યાં 2000ની નોટોનાં બંડલો
ડુપ્લિકેટ નોટ સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો
સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાંથી ડુપ્લિકેટ નોટ ઝડપી હતી. જામનગરના કાલાવડ વિસ્તારના એક ચેરિટેબલ ટ્રસ્ટની આઈ.સી.યુ. એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડની બે હજારના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને ઝડપી લેતાં ભારે દોડધામ મચી હતી. જોકે નોટ પર ભારતીય રિઝર્વ બેંક તેમજ કેવળ ફિલ્મના શૂટિંગ માટે લખ્યું હોવાથી પોલીસે પ્રાથમિક તબક્કે જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કામરેજ પોલીસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમદાવાદ તરફથી ને. હા. 48 પર નવીપારડી ગામની સીમમાં ગામની શિવશક્તિ હોટલની સામે જામનગરના કાલાવડ વડાણા ખાતેની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ કરાઈ હતી. એમ્બ્યુલન્સમાંથી 6 સ્ટીલની પેટીમાંથી 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી. નોટો પર હિન્દીમાં ખાલી ફિલ્મના શૂટિંગના ઉપયોગ માટે લખેલું હતું. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. નોટ ઉપર હિન્દીમાં અને અંગ્રેજીમાં ભારતીય રિઝર્વ બેંક તેમજ માત્ર સિનેમાના શૂટિંગના ઉપયોગ માટે લખ્યું છે.
નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પુરુષોત્તમ કોટડિયાને ઝડપી લીધો છે. જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલી એમ્બ્યુલન્સના ડ્રાઇવર હિતેશભાઈ કોટડિયા અને તેની પત્નીએ 2017માં દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે હાલ પોલીસને નોટો લઈ જવાની ગતિવિધિ શંકાસ્પદ લાગતાં પોલીસ તમામ પાસાં તપાસ કરશે તેમજ આ પ્રકારની નોટ છાપવી એ ગુનો ગણાય કે નહીં એ અંગે રિઝર્વ બેન્ક અથવા સ્ટેટ બેંકના અધિકારીઓની મદદ લેવાશે. હાલ આ નોટ સુરત યોગીચોક ખાતે રહેતા કોઈ ઈસમ પાસેથી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું તેમજ આ નોટ ક્યાં છપાઈ અને કયા ઉદ્દેશથી છાપી એ અંગેની હકીકત વધુ તપાસ બાદ જ બહાર આવશે. હાલ જિલ્લાની તમામ એજન્સીઓ આ ગુનાના તપાસમાં જોતરાઈ છે.