ભરૂચવાગરા તાલુકાની વિલાયત જીઆઇડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાયબર પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ કંપની સામે હંગામો મચાવી કંપનીની પોલીસીને લઇને હૂરિયો બોલાવ્યો હતો. કંપનીમાં 8થી 10 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને કંપની દ્વારા દર વર્ષે બોનસ-ઇન્સેન્ટીવ આપવાના ડાલા વચનો અપાતાં હોવાનો રોષ કર્મીઓએ વ્યક્ત કર્યો હતો. અને ઉમેર્યું હતું કે, લાંબા સમયથી કંપની માટે અથાગ મહેનત કરવા છતાં કંપની દ્વારા કર્મચારીઓને પ્રમોશન પણ અપાતું નથી. જેના પગલે કર્મીઓએ એકસંપ થઇ શુક્રવારે કંપની ખાતે હંગામો મચાવ્યો હતો.
એક તબક્કે વાતાવરણ ગરમાય તેવી આશંકા વચ્ચે પોલીસને બોલાવી લેવાતાં પોલીસકાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે, કર્મચારીઓએ પહેલાં દિવસે રાત્રી સુધી માત્ર સુત્રોચ્ચાર કરીને કંપની પોલીસીનો હૂરિયો બોલાવ્યો હતો. કંપનીના એચ. આર. વિભાગના શ્વેતાબેન શાહ તેમજ અંજન મિત્રાનો સંપર્ક કરવામાં આવતાં બન્નેએ તેઓ આ મામલે તેઓ ઓથોરાઇઝ્ડ અધિકારી ન હોવાનું જણાવી મામલામાં કોઇ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું