Satya Tv News

ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં 35 હજાર લોકોએ મહાઆરતી કરી
શિવ-શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન
35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી
અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન જોવા મળ્યાં હતાં. કલ્ચરલ ફોરમમાં મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં આજે આઠમા નોરતે કલ્ચરલ ફોરમમાં 35 હજાર જેટલા લોકોએ સાથે મળીને મહાઆરતી કરી હતી. અહીં અષ્ટમીએ મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર સ્વરૂપ અર્ધનારીશ્વરનાં અલૌકિક દર્શન થયાં હતાં. શિવ અને શક્તિના સમન્વયનું સુંદર સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર… અદભુત અને અલૌકિક દર્શનનો આજે સુંદર નજારો ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગ્રાઉન્ડમાં સર્જાયો હતો. ઈશ્વરનું આ સ્વરૂપ સમગ્ર વિશ્વને સાયુજ્યની શીખ આપે છે. સૃષ્ટિનું કોઈપણ વ્યક્તિત્વ કે અસ્તિત્વ સ્વતંત્ર નથી. એકમેક સાથે તાણાવાણાથી ગૂંથાયેલું આ સચરાચર જગત સૃષ્ટિકર્તાનું સુંદર સર્જન છે. હું,તમે, આપણે સૌ આ સુંદર સૃષ્ટિનો એક ભાગ હોવાનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.

પરમ તત્ત્વને કાર્યરત થવા પ્રકૃતિરૂપી શક્તિની અપેક્ષા રહે છે. પરમાત્મા અને પ્રકૃતિ, શિવ અને શક્તિનું જોડાવવું એ આશ્ચર્યાનંદસભર અનુભૂતિ છે. બે તત્તવોનો જ્યાં મેળાપ થાય,ઐક્ય સર્જાય એ સંધિને અતિપવિત્ર માનવામાં આવે છે,જેમ દિવસ અને રાત,જેમ નદી અને સમુદ્રનો મેળાપ..એનાં દર્શન માત્રથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. આજે એવી જ પુણ્યશાળી ક્ષણો આપણને પ્રાપ્ત થઈ છે. આ અર્ધનારીશ્વર સ્વરૂપને આપણા અનંત કોટિ પ્રણામ,આપણા સૌના જીવનમાં સાયુજ્ય, એક્ય,સમાવેશિતા,સકારાત્મકતા અને સ્નેહસભરતા સ્થપાય એ જ કલ્ચરલ ફોરમનો ઉદ્દેશ રહ્યો હતો.

error: