વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી MS યુનિવર્સિટીમાં કોમર્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને ફેક્ટરી માલિકના પુત્ર દક્ષ પટેલની હત્યાનો પોલીસ ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. દક્ષ પટેલે પ્રેમિકા ઝૂંટવી લેતા મિત્રએ તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હત્યારો મિત્રને કિડનેપિંગનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવાના બહાને બેઝમેન્ટમાં લઈ જઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ફેક્ટરીના માલિકના પુત્રની હત્યા થતાં સનસનાટી મચી ગઇ છે.
એસીપી ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, એમ.એસ.યુનિવરસિટીમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષિય દક્ષ હર્ષભાઈ પટેલ માંજલપુર વિસ્તારમાં આવેલી શિવમ સોસાયટીમાં રહે છે. તેના પિતાની મકરપુરા GIDCમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે અને તેમાં એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવે છે. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા તાલુકાના ખજેલી ગામના વતની છે. મંગળવારે મોડી સાંજે દક્ષ પટેલની લાશ હાથ-પગ બાંધેલી હાલતમાં અલંકાર ટાવરના બેઝમેન્ટમાંથી પોલીસને મળી આવી હતી. પોલીસને CCTV ફૂટેજમાં મૃતક દક્ષ સાથે છેલ્લે દેખાઈ રહેલા પાર્થ કમલભાઇ કોઠારી (રહે. અંબાશ્રય સોસાયટી, માંજલપુર) પર શંકા ગઈ હતી. પોલીસ દ્ધારા પાર્થ કોઠારીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા પાર્થ કોઠારી ભાંગી પડ્યો હતો અને કબૂલી લીધું હતું કે, દક્ષની હત્યા અલંકાર ટાવરના બેઝમેન્ટમાં પોતે જ કરી તેની લાશ ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક દક્ષ પટેલનો જીગર જાન મિત્ર પાર્થ કોઠારી છેલ્લા દોઢ વર્ષથી યુવી એકેડમીમાં મૃતક દક્ષ સાથે અભ્યાસ કરતો હતો. પરંતુ, આરોપી પાર્થના પ્રેમ સંબંધમાં મૃતક દક્ષ કાંટો બન્યા કરતો હોવાથી પ્લાનિંગ સાથે આરોપી પાર્થે મિત્ર દક્ષ પટેલની હત્યા કરી નાખી હતી અને એટલા ઝૂનુન સાથે આરોપીએ હુમલો કર્યો હતો કે, મૃતકના આંતરડા પણ બહાર નીકળી આવ્યા હતા.
સયાજીગંજ પોલીસે આપેલી માહિતી અનુસાર પાર્થ કોઠારીએ મૃતક દક્ષ પટેલને રવિવારના રોજ રાત્રીના 11 વાગ્યે ફોન કરી મળવા માટે સયાજીગંજ ખાતે બોલાવ્યો હતો અને દક્ષ પટેલ સયાજીગંજ આવતા પાર્થ અને મૃતક દક્ષ પટેલે પાણીની બોટલ ખરીદી અલંકાર ટાવરના બેઝમેન્ટમાં ગયા હતા. જયાં આરોપી મૃતક દક્ષ પટેલને એક કિડનેપિંગની સ્ટોરી બનાવી સોશિયલ મીડિયામાં ઇન્સટાગ્રામ મુકવાથી ઘણી લાઇક મળે તેમ જણાવી આરોપી પાર્થ કોઠારી પહેલેથી પોતાની જોડે લાવેલી નાયલોનની દોરીથી મૃતકના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યાર બાદ તિક્ષ્ણ હથિયારથી પેટના ભાગે ઉપરાછાપરી ઘા કરીને દક્ષ પટેલને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતકનો મોબાઇલ લઈને ઘટના સ્થળેથી ફરારથી ગયો હતો. હાલ પોલીસ આરોપી પાર્થ કોઠારીની વધુ પૂછપરછ કરી રહી છે અને આ બનાવની વધુ તપાસ સયાજીગંજ પોલીસ મથકના પી.આઇ. આર.જી. જાડેજા કરી રહ્યા છે.