Satya Tv News

દરભંગાના રાકેશ મિશ્રાની ધરપકડ

આરોપી માનસિક અસ્વસ્થ હોવાની શંકા : 10મી ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનોની હત્યા કરવાની તથા તેમના નિવાસ સ્થાન એન્ટિલિયા બિલ્ડિંગ અને તેમના દ્વારા સંચાલિત હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં બિહારના રાકેશ મિશ્રાની ધરપકડ કરાઈ છે. તેને તા. ૧૦મી ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ અપાયા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મોબાઈલ સર્વેલન્સના આધારે દરભંગા જિલ્લાના મણીગાછી પોલીસ મથક હેટળના બ્રહ્મપુરા ગામે રહેતા રાકેશ મિશ્રાના સગડ મળ્યા હતા. મુંબઈ પોલીસે ત્યાં પહોંચી તેની અટકાયત કરી હતી. મુંબઈમાં સ્થાનિક અદાલત સમક્ષ તેને રજૂ કરાતાં અદાલતે તેના તા. ૧૦મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

મુંબઈ પોલીસની ટીમ રાકેશના ઘરે પહોંચી હતી. સાદા ડ્રેસમાં સજ્જ પોલીસ જવાનોએ તેના ઘરનું બારણું ખખડાવ્યું હતું. રાકેશે જ દરવાજો ખોલ્યો હતો. પોલીસે તરત જ તેના મોબાઈલ પર કોલ કરતાં રાકેશે ફોન રિસીવ કર્યો હતો. તેની ઓળખની પુષ્ટિ થતાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

સ્થાનિક ગામ લોકોના દાવા અનુસાર રાકેશ માનસિક રીતે અસ્વસ્થ છે. તેના પિતા સુનીલ કુમાર મિશ્રા બિહાર ઈન્ટર કાઉન્સીલમાં ફરજ બજાવે છે.

દક્ષિણ મુંબઇમાં આવેલી એચએન રિલાયન્સ હોસ્પિટલમાં ગઇકાલે બપોરે ૧૨.૫૭ વાગ્યે આરોપીએ બે વખત ધમકીભર્યો ફોન કર્યો હતો. આરોપીએ હોસ્પિટલ, અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાને બોમ્બથી ઉડાડવાની તથા મુકેશ અંબાણી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી.

ગત મહિને પણ એચ.એન પર રિલાયન્સ હોસ્પિટલમાં ફોન મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસે દક્ષિણ મુંબઇમાજ્જ્વેલરી શોપના માલિક બિષ્ણુ ભૌમિક (ઉં.વ.૫૭)ની ધરપકડ કરી હતી. આ પહેલા એન્ટિલિયા પાસે ગાડીમાં વિસ્ફોટક અને ચીઠ્ઠી દ્વારા ધમકી મળી હતી.

error: