મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યાં બાદ પૈસા ન ચૂકવ્યા
ફરિયાદ નોંધાયે એક મહિનો થયો, છતાં કોઈ એક્શન નહીં
માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં ખળભળાટ
14 જેટલા વેપારીઓ પાસેથી માલ-સામાન લીધા બાદ પૈસા ન ચૂકવ્યા
ઉદયપુરના હિરન મગરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરાઈ

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ મટીરિયલના વેપારીઓને પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વેપારીઓએ ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે નોંધાવતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ભાજપના નેતા માવજી દેસાઈ સામે રાજસ્થાનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે, જેમાં માવજીભાઈ દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડના નેજામાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાન બનાવાયાં હતાં અને મટીરિયલ પૂરું પાડનારા વેપારીઓ સાથે કરાર કર્યા હતા. આ મકાનો બની ગયાં બાદ એકપણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. એ માટે 14 જેટલા વેપારીઓએ તેમના મટીરિયલના પૈસા માટે માવજી દેસાઈ પાસે વારંવાર ઉઘરાણી કરી હતી, પરંતુ તેમણે પૈસા આપવાના બદલે તેઓ ભાજપના નેતા હોવાનો રોફ બતાવી વેપારીઓને ધમકાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. એમાં આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરના હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટનામાં 14 જેટલા વેપારીઓ પાસેથી માલસામાન લીધા બાદ પૈસા ન ચૂકવતાં પોલીસે વેપારી મયંક ખેમસરાની ફરિયાદના આધારે માવજી દેસાઈ સહિત સાત લોકો સામે આઇપીસી કલમ 420, 406 અને 420 બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના 14 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલી માવજી દેસાઈ એન્ડ કંપની સામે રાજસ્થાન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે વેપારીઓએ પોતાના પૈસા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાયાના એક મહિના બાદ પણ નથી તો માવજી દેસાઈના એકપણ સાગરીતની અટકાયત કરવામાં આવી કે નથી એકપણ વેપારીને પૈસા ચૂકવવામાં આવ્યા. ત્યારે લોકો સાથે છેતરપીંડી આચરતા ભાજપના કદાવર નેતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જાતને અત્યારથી જ ધારાસભ્ય માની બેઠા હોવાની અટકળો વચ્ચે ભાજપ સરકાર પણ આવા નેતાઓને છાવરશે કે પછી તેમને રસ્તો બતાવશે એવા સવાલોએ જોર પકડ્યું છે.