EDએ ગઈ કાલે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતા અને કૌભાંડો માટે રાષ્ટ્રીય રાજધાની સહિત આંધ્ર પ્રદેશ અને પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા
દિલ્હીની નવી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડના મામલામાં EDએ મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હીમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક આરોપીના ઘરેથી 1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. EDના અધિકારીઓ આજે આ કેસમાં આરોપીની વધુ પૂછપરછ કરશે. EDએ ગઈ કાલે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતા અને કૌભાંડો માટે રાષ્ટ્રીય રાજધાની સહિત આંધ્ર પ્રદેશ અને પંજાબમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ નીતિ સાથે આડકતરી અને પરોક્ષ રીતે જોડાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
CBI એ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના આવાસ અને ઓફિસ પર પણ દરોડા પાડ્યા છે.હવે ED આ કેસ સાથે જોડાયેલા અન્ય લોકો પર દરોડા પાડીને પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા EDએ આ કથિત કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. આબકારી નીતિમાં કથિત કૌભાંડના આરોપી વિજય નાયરને 20 ઓક્ટોબર 2022 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ તેની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી હતી. તેઓ AAP ના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અધિકારીઓનો સમય માત્ર ગંદી રાજનીતિ માટે વેડફાઈ રહ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, 500 થી વધુ દરોડા, 300 CBI/ED અધિકારીઓ 3 મહિનાથી 24 કલાક કામ કરી રહ્યા છે એક મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા શોધવા માટે. કંઈ જ નહીં મળશે કારણ કે કંઈ કર્યું જ નથી. આટલા બધા અધિકારીઓનો સમય તેમની ગંદી રાજનીતિ માટે વેડફાઈ રહ્યો છે. આવો દેશ કેવી રીતે આગળ વધશે? અગાઉ 28 સપ્ટેમ્બરે EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. EDની FIR પ્રમાણે Indospiritsના માલિક સમીર મહેન્દ્રુએ મનીષ સિસોદિયાના નજીકના સહયોગીઓને ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
મહેન્દ્રુ કથિત રીતે દિલ્હીની નવી એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં સામેલ દારૂના વેપારીઓમાંનો એક હતો. બીજી તરફ સીબીઆઈ FIRમાં આરોપ છે કે, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના કથિત સહયોગી અર્જુન પાંડેએ એન્ટરટેઈનમેન્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ વિજય નાયર વતી સમીર મહેન્દ્રુ પાસેથી લગભગ 2-4 કરોડ રૂપિયા રોકડા લીધા હતા. EDએ તેમના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા.