બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લેતું. અહીં શુક્રવારે એટલે કે 7 ઓક્ટોબરે કટ્ટરવાદીઓએ કાલી મંદિરમાં ઘૂસીને મૂર્તિઓને તોડી નાખી હતી. આ મંદિર અંગ્રેજોના જમાનાનું કહેવાય છે. હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. ઘટના વિશે માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના ઝેનેદાહ જિલ્લાના દૌતિયા ગામમાં બની હતી. અહીં કાલી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓ મૂર્તિનું માથું મંદિર પરિસરથી લગભગ અડધો કિલોમીટર દૂર રોડ પર ફેંકી નાસી ગયા હતા.
મંદિર સમિતિના પ્રમુખ સુકુમાર કુંડાએ કહ્યું- આ મંદિરમાં અંગ્રેજોના સમયથી પૂજા કરવામાં આવે છે. આ હુમલો રાત્રે 3થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. મંદિરમાં કોઈ સુરક્ષા ન હોવાથી હુમલાખોરો કોઈપણ ડર વગર મૂર્તિઓને તોડવામાં સફળ રહ્યા હતા. પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે. આ હુમલામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી.
બાંગ્લાદેશ પૂજા સેલિબ્રેશન કાઉન્સિલના જનરલ સેક્રેટરી ચાંદનાથ પોદ્દારે કહ્યું – આ ઘટના બાંગ્લાદેશમાં 10 દિવસની દુર્ગા પૂજા પૂરી થયા પછી 24 કલાકમાં બની હતી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, કારણ કે આ 10 દિવસમાં સમગ્ર દેશમાં આવી કોઈ ઘટના બની નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દુર્ગા ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઊજવવામાં આવ્યો હતો.
ગયા વર્ષે પણ દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં ટોળા દ્વારા હિંન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 3 લોકોને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી બાંગ્લાદેશ હિંન્દુ એકતા પરિષદે વડાંપ્રધાન શેખ હસીનાને હિન્દુઓને સુરક્ષા આપવાની માગ કરી હતી.
બાંગ્લાદેશમાં હિંન્દુ લઘુમતીઓ પર હુમલાનો લાંબો ઈતિહાસ છે. 29 ઓક્ટોબર 1990ના રોજ, ભારતમાં બાબરી મસ્જિદના ધ્વંસ પહેલાં બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી રાજકીય સંગઠને બાબરી મસ્જિદ તોડી પાડવાની અફવા ફેલાવી હતી, જેને કારણે 30 ઓક્ટોબરમાં હિંસા ફાટી નીકળી, જે 2 નવેમ્બર 1990 સુધી ચાલુ રહી. આ હિંસામાં ઘણા હિંન્દુઓ માર્યા ગયા હતા.
2011ની વસતિ ગણતરી મુજબ, 16.5 કરોડની વસતિ સાથે બાંગ્લાદેશમાં હિંન્દુઓની વસતિ 8.5% છે, જ્યારે મુસ્લિમો વસતિના 90%થી વધુ છે. બાંગ્લાદેશમાં મુસ્લિમો અને હિંદુઓ બંને મુખ્યત્વે બંગાળી છે, એટલે કે ભાષા અને સાંસ્કૃતિક રીતે સમાન છે, પરંતુ ધર્મના કારણે તેમનું અંતર કટ્ટરપંથીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે.
બાંગ્લાદેશ સરકારના આંકડા મુજબ, 1980ના દાયકામાં બાંગ્લાદેશમાં હિંન્દુઓની વસતિ 13.5% હતી, જ્યારે 1947માં ભારત પાકિસ્તાનની આઝાદી સાથે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન બન્યું હતું, ત્યારે હિંન્દુઓની વસતિ 30% હતી.
લગભગ ચાર દાયકામાં બાંગ્લાદેશમાં હિંન્દુઓની વસતિ 13.5%થી ઘટીને 8.5% રહી ગઈ. બાંગ્લાદેશની સરકારે 2011ની વસતિ ગણતરીના આંકડા મુજબ, એક દાયકામાં હિંન્દુઓની સંખ્યામાં ઓછામાં ઓછો 10 લાખનો ઘટાડો થયો.
એક રિપોર્ટ અનુસાર, ઢાકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અને પ્રોફેસર અબ્દુલ બરકતને તેમના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સુરક્ષા અને આર્થિક કારણસર દરરોજ આશરે 750 હિંન્દુ બાંગ્લાદેશમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. આમાંના મોટા ભાગના હિંન્દુઓ ભારત આવવાનો પ્રયાસ કરે છે.