હિંદુ પંચાગ અનુસાર આજે અશ્વિન માસ અથવા શુક્લ પક્ષની પૂનમ છે, સાથે જ આ શરદ પૂનમના નામે પણ જાણીતી છે. આજે
આપણે શરદ પૂનમનું મુહૂર્ત, પૂજા વિધી અને આજના દિવસે ખીરનું શું મહત્વ છે તે વિશે જાણીશું.
ખીરને ચંદ્રના પ્રકાશમાં મૂકીને ખાવાથી થશે ફાયદો
આજે 9 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે, અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવનારી પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે તમામ પૂનમમાં સૌથી પ્રસિદ્ધ શરદ પૂનમ છે. એવી માન્યતા પણ છે કે આખા વર્ષમાં શરદ પૂનમ એક માત્ર એવી રાત હોય છે જ્યારે ચંદ્ર પોતાની સોળે કલાએ ખીલે છે.
આપણા હિંદુ ધર્મમાં માનવ ગુણ કોઈના કોઈ કલા સાથે જોડાયેલા છે. કહેવાય છે કે સોળ અલગ અલગ કલાના મિશ્રણથી એક માનવ બને છે. ભગવાન કૃષ્ણ પણ સોળ કલાઓની સાથે જન્મયા હતા અને તેઓ ભગવાન વિષ્ણુના પૂર્ણ અવતાર હતા. એવુ પણ કહેવાય છે કે ભગવાન રામનો જન્મ માત્ર 12 કલાઓ સાથે થયો હતો. શરદ પૂનમ કૌમુદી વ્રત અને કોજાગર વ્રતના નામે પણ ઓળખાય છે. શરદ પૂનમની પૂજા, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે તે વિશે વિસ્તારમાં જાણીએ.
શરદ પૂનમ તિથિ 9 ઓક્ટોબર 2022ના રોજ 3:44:06થી શરૂ થઈને 10 ઓક્ટોબર 02:26:46 પર પૂર્ણ થશે. શરદ પૂનમના રોજ ચંદ્રોદય સાંજે 05:52 વાગ્યે થશે, અને ચંદ્રોદય બાદ પૂજા કરવામાં આવે છે.
શરદ પૂનમના દિવસે મહિલાઓ – સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, શક્ય હયો તો નદી અથવા કુંડમાં જઈને સ્નાન કરે છે.
ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવી નવા વસ્ત્રો અને આભૂષણ પહેરાવાય છે. કંકુ, ચોખા, અત્તર, ફૂલ, ધૂપ, દીવો કરી, નૈવેદ્ય ધરાવાય છે સાથે જ સોપારી અને દક્ષિણા પણ આપવામાં આવે છે
રાત્રિ સમયે ગાયના દૂધથી ખીર બનાવી તેમાં ખાંડ અને ડ્રાયફ્રુટ્સ ભેળવીને ભગવાનને ભોગ લગાવો
ત્યારબાદ રાત્રિ સમયે જ્યારે ચંદ્ર આકાશમાં ઉપરની તરફ હોય ત્યારે તે સમયે ચંદ્ર દેવની પૂજા કરી તેમને ખીરનો પ્રસાદ ધરાવો. ત્યારબાદ ખીરને ચંદ્રના અજવાળામાં મૂકી બીજા દિવસે સવારે ખીરનું સેવન કરો.
પૂનમના ઉપવાસ સમયે શરદ પૂનમની વ્રત કથા વાંચો જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે.
માન્યતાઓ અનુસાર, શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાં તમામ રોગોનો નાસ કરી દે તેવા ગુણ હોય છે જે શરીર અને આત્મા બંનને પોષણ આપે છે. એ પણ માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાંથી અમૃત નીકળે છે અને તેનો લાભ મેળવવા માટે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સવારના સમયે ખીરને પ્રસાદરૂપે આરોગવામાં આવે છે.