વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના ઈસારે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનંત પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભીખુ આહિરની દુકાનમાં આગ લગાવી હતી. સાથે જ પોલીસ જીપને પણ પલટી તેમાં તોડફોડ કરી હતી. અનંત પટેલના સમર્થકો રસ્તા પર બેસી ગયા હતા અને જલદીમાં જલદી આરોપીને ઝડપી લેવા માગ કરી હતી. ત્યારે પોલીસે બાંહેધરી આપતા આખરે વહેલી સવારે ત્રણ વાગ્યે અનંત પટેલ અને તેમના સમર્થકોએ પોતાના ધરણા સમેટ્યા હતા. તો બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને હુમલાને વખોડ્યો છે અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. હાલ આ ઘટનાને કારણે અનંત પટેલના સમર્થક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી નજીક ત્યારે આ ઘટનાએ રાજકીય રંગ લાવી દીધો છે. જેના પડઘા આગામી દિવસોમાં પડી શકે છે.
અનંત પટેલ ઉપર થયેલા હુમલો રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા પણ હુમલાને ભાજપનો કાયરતાપૂર્ણ હુમલો ગણાવતુ ટ્વીટ કર્યુ છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાને કોંગ્રેસની પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીએ વખોડી ભાજપ દ્વારા કાયરતાપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરી સમર્થન જાહેર કર્યુ છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને હુમલાની ઘટનાને નિંદનીય ગણાવી. હુમલાને પગલે વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિતના આગેવાનો પણ વાંસદા આવી રહ્યા છે. જેથી વિધાનસભા ચૂંટણી ટાંણે આદિવાસી નેતા અને કોંગી ધારાસભ્ય ઉપર થયેલા જીવલેણ હુમલો આગામી દિવસમાં રાજકીય ઘમાસાણના સંકેત આપે છે.
નવસારીના ખેરગામ ગામે કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા પ્રકાણમાં 6 કલાકના આક્રોશ બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં ફરિયાદ લેવા સાથે જ હુમલાવરોને 72 કલાકમાં પકડી પાડવાનું આશ્વાસન મળતા આજે વહેલી સવારે 3 વાગ્યે અનંત પટેલે પોતાના ધરણા પૂર્ણ કર્યા હતા. જોકે વિરોધ ચાલુ રાખવા આજે 14 આદિવાસી જિલ્લાઓમાં રસ્તા રોકો આંદોલન કરવા આદિવાસીઓને આહવાન કર્યુ છે.
ખેરગામના રૂપા ભવાની માતાજીના મંદિરે ગરબા દરમિયાન ગવાયેલા ‘એક જ કાલે, અનંત પટેલ જ ચાલે’ ગીત અને એના ઉપર ખેલૈયાઓ ગરબે રમતા વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. જેણે રાજકીય રંગ પકડી લેતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે પણ વિવાદ છેડાયો હતો. જોકે ગરબા રમતા ખેલૈયાઓનો વીડિયો વાયરલ કરનાર યુવાન પાસે માફી મંગાવવામાં આવી હતી. દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ગત રોજ સાંજે 6 વાગ્યા આસપાસ ખેરગામના સરપંચ સહિત અન્ય મહાનુભાવો સાથે બેઠક કરવા ખેરગામ આવી રહ્યા હતા. ત્યાં અચાનક ખેરગામ બજાર પાસે કેટલાક અજાણ્યા હુમલાવરોએ એમની કાર અટકાવી હુમલો કર્યો હતો. સાથે જ અનંત પટેલને પણ કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. જેમાં જમણી આંખ પાસે ઇજા થતાં લોહી નીકળતું થયુ હતું.
અનંત પટેલ પર હુમલો થયાની વાત ખેરગામ પંથક સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યા આદિવાસીઓ ખેરગામ પહોંચ્યા હતા. બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલે હુમલો નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખ આહીર અને તેમના પુત્રએ પોતાના સાગરીતો સાથે મળીને આદિવાસી સમાજ માટે અપશબ્દો બોલી, માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને કારણે ખેરગામમાં ભેગા થઈ રહેલા ટોળાને કન્ટ્રોલ કરવા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે પોલીસ વડા શરૂઆતમાં અનંત પટેલને સમજાવવામાં વિફળ રહ્યા હતા. આદિવાસી સમર્થકોનો આકોશ વધતા રહેતા ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી આગ લગાવી હતી. જ્યારે ફાયર ફાઇટર, પોલિસ જીપ, GEB ની ગાડી જેવા વાહનોને પણ નુકશાન પહોંચાડ્યું હતું. જેથી પોલીસે 6 કલાક બાદ અનંત પટેલ પાસે પહોંચી એમની ફરિયાદ લીધી હતી અને 72 કલાકમાં તમામ હુમલાવરોને પકડવાનું આશ્વાસન આપ્યું હતુ. જેથી 6 કલાક બાદ અનંત પટેલે પોતાના ધરણા સમેટયા હતા અને જો 72 કલાકમાં હુમલાવરોને પકડવામાં ન આવે તો ફરી ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપી છે. આ સાથે જ આજે રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓમાં રસ્તા રોકો આંદોલન કરવાની અપીલ કરી છે