ઈલેક્ટ્રિક વ્હીકલનું મેન્યુફેક્ચરિંગ સાવલીમાં શરૂ થવાની શક્યતા, 3 મોટી કંપની પણ ઝંપલાવશે
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભવિષ્યમાં ઇલેક્ટ્રીક ટુ-વ્હીલરની ડિમાન્ડ વધશે. જેને પગલે દેશની 3 કંપનીઓ 2023માં ઈલેક્ટ્રીક ટુ વ્હીલર સાથે માર્કેટમાં નવા ટુ વ્હીલર લોન્ચ કરશે. સાથે તેની બેટરી પણ ભાડે આપવાની પદ્ધતિ અમલમાં લાવવા કોરિયા સાથે ટાઇઅપ કરાયું છે.
શહેરમાં વાહનોના શોરૂમ ધરાવતા સંચાલક મુજબ, અત્યારે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરની કિંમત મોંઘી જણાય છે. જેનું કારણ ટુ વ્હીલરની બેટરી છે. તેના માટે નવો કોન્સેપ્ટ બજારમાં આવશે. 3 મોટી કંપનીએ ટુ વ્હીલરની બેટરી ભાડે આપવાની યોજના અમલમાં મુકવાનું આયોજન કર્યું છે.
બાઈક ખરીદનારે બેટરી ખરીદવી ફરજિયાત નહીં હોય. ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદનાર જે રીતે લાઈટની બેટરી ભાડે મળે છે તે રીતે ટુવિલરની ચાર્જ કરેલી બેટરી બજારમાંથી ભાડે લઈ વાહનમાં નાખી ફેરવી શકશે. જેથી ચાર્જ કરવાનો સમય અને બેટરી બગડે ત્યારે નવી ખરીદવાનો મોટો ખર્ચો બચશે. અત્યારે ઇલેક્ટ્રીક કાર પણ ઘરના થ્રી ફેઝ કનેક્શનથી ચાર્જ થાય છે. ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરમાં મોટી ક્રાંતિ આવવાના એંધાણ છે.
વડોદરા ઈલેક્ટ્રિક બાઈક મેન્યુફેક્ચરિંગનંુ હબ બનશે
ઈલેક્ટ્રીક ટુ વ્હીલરના મેન્યુફેક્ચરિંગ માટે વડોદરા હબ બની રહ્યું છે. વડોદરા નજીકની કંપની પાસે 100 એકર જેટલી જમીન મેન્યુફેક્ચરિંગ માટે છે. સાવલી પાસે પણ કંપની મેન્યુફેક્ચરિંગ માટે આવી રહી છે. અન્ય નાની મોટી કંપનીઓ મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલીંગ પણ કરી રહી છે. જો ત્રણ મોટી કંપનીઓ આવશે ત્યારે વડોદરામાંથી કંપનીઓનું એસેમ્બલીંગ થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે.