નીતુ સિંહ સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તે અવારનવાર રિશી કપૂરની પોસ્ટ શૅર કરતાં હોય છે. હાલમાં જ નીતુએ રિશીને યાદ કરીને ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે રિશી કપૂરનું અવસાન 30 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. તેમને લ્યૂકેમિયા હતું.
નીતુએ રિશી કપૂરની એક તસવીર શૅર કરી હતી. તસવીરમાં રિશીએ હોઠો પર આંગળા મૂકી છે અને આંખો બંધ છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને કહ્યું હતું, તમારો અવાજ યાદ આવે છે, અહીંયા ઘણી જ શાંતિ છે. ચાહકોથી લઈ સેલેબ્સ સહિતે આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને નીતુ સિંહને સ્ટ્રોંગ રહેવાનું કહ્યું હતું.
નીતુએ થોડાં મહિના પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે રિશીનું અવસાન થયું ત્યારે તે ડિપ્રેશનનો ભોગ બન્યાં હતાં. આમાંથી બહાર નીકળવા માટે તેમણે ડૉક્ટરની મદદ લીધી હતી.
નીતુ સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘જુગ જુગ જિયો’માં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અનિલ કપૂર, વરુણ ધવન, કિઆરા અડવાણી તથા મનીષ પૉલ હતા. નીતુ સિંહ ડાન્સ રિયાલિટી શોમાં જજ બન્યાં છે. નીતુ સિંહ હાલમાં દાદી બનવાના છે. દીકરા રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. રણબીર તથા આલિયાએ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા.