ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મુંબઈ નજીક નહાવા શેવા બંદરે ફળો લઈ જતા કન્ટેનરમાંથી રૂ.૫૦૨ કરોડ રૂપિયાની કિંમતનું ૫૦ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું કોકેન જપ્ત કર્યું હતું, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
તાજેતરમાં સમુદ્ર માર્ગે આટલા મોટા પ્રમાણમાં કોકેનની દાણચોરી કરવાની આ સૌથી મોટી ઘટના છે. આ ડ્રગ ગુરુવારે કબજે કરવામાં આવ્યું હતું.
સાઉથ આફ્રિકાથી નહાવાશેવા બંદરે આવી રહેલા કન્સાઈનમેન્ટ વિશે ડીઆરઆઈની મુંબઈ ઝોનલ યુનિટને ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ ડીઆરઆઈ અધિકારીઓની હાજરીમાં કન્ટેનરની ઓળખ કરવામાં આવી હતી. કન્ટેનરમાં લીલા સફરજનના બોકસની અંદર કોકેન સંતાડી લાવવામાં આવ્યું હતું.
કોકેનની એક કિલોની ૫૦ ઈંટ બનાવવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ૫૦.૨૩ કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. એની કિંમત અંદાજે રૂ.૫૦૨ કરોડ છે.
નવી મુંબઈના વાશીમાં ડીઆરઆઈની ટીમે ગત શનિવારે આયાતી સંતરાની એક ટ્રકમાં છૂપાવેલ ૧૪૭૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું હતું. એમાં ૧૯૮ કિલો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મેથામ્હેટામાઈન અને નવ કિલો કોકેનનો સમાવેશ હતો. ડીઆરઆઈએ આ પ્રકરણમાં આ માલને આયાત કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ફરી જપ્ત કરાયેલું રૂ.૫૦૨ કરોડનું કોકેન પણ અગાઉ પકડાયેલી આ વ્યક્તિ સંબંધિત જ છે.
માલ આયાત કરનારા આ આરોપીની ડીઆરઆઈ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગત મહિને નહાવાશેવા બંદરે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે દરોડા પાડી કન્ટેનરમાંથી રૂ.૧૭૨૫ કરોડનું ૩૪૫ કિગ્રા. હેરોઈનનો જંગી જથ્થો કબજે કરતા ચકચાર જાગી હતી.
આજ બંદરે ગત જુલાઈમાં ૩૬૨ કરોડ રૂપિયાનું હેરોઈન લાવવામાં આવ્યું હતું. પનવેલ પાસે આજિવલી ગામે એક લોજિસ્ટિક કંપનીમાં કન્ટેનરમાં હેરોઈન રાખવામાં આવ્યું હતું.