નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહ યાદવનું નિધન
83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
શ્વાસ લેવામાં તકલીફ અને બીજી બીમારીને કારણે ગત રવિવારે દાખલ કરાયા હતા
નિધનને પગલે દેશમાં શોકનો માહોલ
દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામા તકલીફ અને બીજી બીમારીઓને કારણે 2 ઓક્ટોબરે ગુરુગ્રામની મેદાતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સુગર સિંહ યાદવ હતું કે જેઓ ખેડૂત હતા. મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરી સીટ પરથી લોકસભાના સાંસદ હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિ હોય કે દેશની રાજનીતિ બંનેમાં મુલાયમ સિંહ યાદવની ગણતરી અગ્રણી નેતાઓમાં થતી. તેઓ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યાં છે અને કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. આ સિવાય મુલાયમ સિંહ 8 વખત ધારાસભ્ય અને 7 વખત લોકસભા સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.
મુલાયમ સિંહ યાદવે બે વખત લગ્ન કર્યા છે. તેમની પ્રથમ પત્નીનું નામ માલતી દેવી હતું કે જેનું મે 2003માં અવસાન થયું હતું, તેઓ અખિલેશ યાદવના માતા હતા. મુલાયમ સિંહ યાદવે બીજી વાર સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. મુલાયમ સિંહ યાદવ અને સાધનાના પુત્રનું નામ પ્રતીક યાદવ છે. તાજેતરમાં જ સાધના યાદવનું અવસાન થયું હતું.