જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો માટે આતંકવાદ હજુ પણ એક પડકાર છે. જોકે, આતંકવાદીઓને ખાતમો કરવા માટે ગુપ્ત માહિતી અને સૈન્યના ઈનપુટ્સના આધારે સતત એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ અનંતનાગમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હોવાની માહિતી આપી છે. હજુ ઓપરેશન ચાલુ છે.
અગાઉ પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના તંગપાવામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ આ વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળને ઘેરી લેતા છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જેનીથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં જાહેર સુરક્ષા કાયદા હેઠળ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને કસ્ટડીમાં લીધા હતા જેમને આતંકવાદને ફરી હવા આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. બાંદીપોરા પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહયોગીઓ – ઈશ્ફાક મજીદ ડાર અને વસીમ અહેમદ મલિક ને જાહેર સુરક્ષા કાયદા હેઠળ બાંદીપોરામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.