હૂંડિયામણ અનામત ઘટીને 532 અબજ ડોલર, બે વર્ષના તળિયે
ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલર
આઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત
જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૪.૮૫૪ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે જુલાઈ ૨૦૨૦ બાદના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ સાપ્તાહિક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના છેલ્લા શુક્રવારે પૂરા થતા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ અનામત ૪.૮૫૪ અબજ ડોલર ઘટીને ૫૩૨.૬૬૪ અબજ ડોલર થયું છે. અગાઉ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન દેશનું કુલ વિદેશી મુદ્રા ભંડાર ૮.૧૩૪ અબજ ડોલર ઘટીને ૫૩૭.૫૧૮ અબજ ડોલર થયું હતુ. ગયા મહિને ૫ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહથી સતત તેમાં ઘટાડો થઈ રહ્યો છે.
૨૯ જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર ૨.૪ બિલિયન વધીને ૫૭૩.૮૭૫ અબજ ડોલર થયું હતુ. તે અગાઉના સતત ચાર સપ્તાહ સુધી દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો.
શુક્રવારે જાહેર કરેલ રિપોર્ટ અનુસાર ફોરેન કરન્સી એસેટમાં ઘટાડાને કારણે ગત સપ્તાહે કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન એફસીએ ૪.૪૦૬ અબજ ડોલર ઘટીને ૪૭૨.૮૦૭ અબજ ડોલર થયા છે.
માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો થયો છે. ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલર થયું છે. ગયા અઠવાડિયે પણ તેમાં ૩૦ કરોડ ડોલરનો ઘટાડો થયો હતો અને તે ઘટીને ૩૭.૮૮૬ અબજ ડોલર પર આવી ગયું હતુ.
રિપોર્ટિંગ સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ડિપોઝિટ ૧૬.૭ કરોડ ડોલર વધીને ૧૭.૪૨૭ અબજ ડોલર થયું છે. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે રિપોર્ટિંગ સપ્તાહમાં આઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત છે.