આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAPની આ પ્રકારની માનસિકતા દેશવિરોધી ગણાવી છે. તો રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મોદી વિરુદ્ધ ટિપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને ખુલાસો કરવા જણાવ્યું છે. જોકે ઈટાલિયાએ સુરતમાં આ વીડિયો અંગે કહ્યું છે કે આ ભાજપની પાટીદારવિરોધી માનસિકતા દર્શાવે છે, જેથી તેઓ મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરી રહ્યા છે.
વાઈરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ ‘નીચ’ પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે ‘સી’ બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે.”
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ વીડિયો બદલ આપના નેતા ગોપાલ ઈટાલિયાની ઝાટકણી કાઢી છે. માલવિયાએ ટવીટ કર્યું છે કે “કેજરીવાલના જમણા હાથ ગણાતા ગુજરાત પ્રદેશ આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા શું આ રીતે છેલ્લી પાટલીએ બેસી જાય છે કે વડાપ્રધાન મોદીને ‘નીચ’ કહે છે. આ પ્રકારના અપશબ્દોનો પ્રયોગ ગુજરાતના ગૌરવ અને ધરતીના દીકરાને ગાળ દેવી એ દરેક ગુજરાતીનું અપમાન છે.”
NCWએ ઈટાલિયાને નોટિસ પાઠવીને આવી બદનક્ષીયુક્ત તેમજ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ 13 ઓક્ટોબર ને ગુરુવારે બપોરે 12.30 વાગ્યે દિલ્હી ઓફિસે રૂબરૂ હાજર રહીને ખુલાસો કરવા કહ્યું છે. આ નોટિસમાં NCWએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે વડાપ્રધાન મોદીનું અપમાન એ સમગ્ર દેશની નારીઓનું અપમાન છે. આ માટે ઈટાલિયા ઉપરોક્ત દર્શાવેલી તારીખે અને સમયે રૂબરૂમાં હાજર નહીં રહે તો તેમની સામે વધુ શિક્ષાત્મક પગલાં લેવાશે.