સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવના મંગળવારે સૈફઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નેતાજીના અંતિમ દર્શન માટે એક લાખથી વધુ લોકો પહોંચ્યા છે. અત્યારે તેમના પાર્થિવ દેહને અંતિમ વિદાય માટે અહીં મેળાના મેદાનના પંડાલમાં લઈ જવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકો બપોરે 3 વાગ્યા સુધી અહીં દર્શન કરી શકશે. આ પછી નેતાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જ્યાં નેતાજીના અંતિમસંસ્કાર કરવામાં આવશે એ જગ્યા 50 મજૂરે આખી રાત કામ કરીને તૈયાર કરી હતી. 30×30 ફૂટની આ જગ્યામાં 10 હજાર ઈંટો લગાવવામાં આવી છે. સૈફઈ ગામમાં રાતભર લોકોને ઊંઘ ન આવી. તેઓ નેતાજીના અંતિમસંસ્કારની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. સવાર સુધી 5 હજાર લોકોની ભીડ હતી, જે હવે વધી રહી છે.
ભારત જોડો યાત્રા વચ્ચે જ છોડીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સૈફઈ પહોંચી રહ્યા છે. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, પ.બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ નેતા કેસી ત્યાગી મુલાયમના અંતિમસંસ્કારમાં હાજરી આપશે. બિહારના સીએમ નીતીશ કુમાર તેઓ 12 ઓક્ટોબરે સૈફઈની મુલાકાતે પણ જવાના છે.