‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ-બેસ્ડ ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે
આ વર્ષે ભારતમાંથી ઓસ્કારમાં પ્રવેશેલી ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. તે માત્ર 10 વર્ષનો હતો. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયા રોગથી તેમનું નિધન થઈ ગયું હતું. જામનગર નજીકના તેમના વતન હાપા ખાતે તેમના પરિવારે સોમવારે પ્રાર્થનાસભા યોજી હતી. રાહુલના પિતા રામુ ઓટોરિક્ષા ચલાવે છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ તેમના નિધનથી દરેક વ્યક્તિ દુખી છે.
રામુ કોલીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, તે ખૂબ જ ખુશ હતો અને મને કહેતો કે, 14 ઓક્ટોબર બાદ આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ તે પહેલા જ તે અમને છોડીને જતો રહ્યો. 14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) એ 12 દિવસ પહેલા આ ગુજરાતી ફિલ્મને 95મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી હતી. ‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ-બેસ્ડ ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી તેમના પોતાના જીવનથી પ્રેરિત છે. તેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા અને ફિલ્મ જગતના જાદુની શોધ કરી. ફિલ્મની સ્ટોરી પણ કંઈક આવી જ છે.