Satya Tv News

પાટીદારના ગઢ સમાન રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી સભાને સંબોધન કરવાના છે. ત્યારે તેમને સાંભળવા વહેલી સવારથી જ લોકો ઊમટી પડ્યા છે અને સભાસ્થળનો ડોમ ભરાવા લાગ્યો છે તેમજ સભાસ્થળે આવતા દરેક લોકોનું સ્ક્રીનિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. સભા પહેલા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફરીદા મીરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ગીત ગાતા જ લોકોએ બે હાથ ઊંચા કરી તાળીઓ પાડી હતી. રાદડિયા પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રિજરાજદાન ગઢવીએ હનુમાન ચાલીસા ગાતા જ લોકોએ પોતાના મોબાઈલમાં ફ્લેશ લાઈટ શરૂ કરતા અદભુત દૃશ્યો સર્જાયા હતા.

જામકંડોરણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે સભા યોજાશે, એમાં ત્રિસ્તરીય, સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોદી આજે સભા સંબોધન માટે આવી રહ્યા છે અને પહેલી જ વાર જામકંડોરણા આવી રહ્યા હોવાથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામકંડોરણામાં આજે મોદીની સભા યોજાશે. એમાં SPGની ટીમે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા સંભાળી છે. જાહેરસભામાં રેન્જ DIG સંદીપસિંહ, SP જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 13 Dysp, 30 PI, 100 PSI તથા હોમગાર્ડઝ, GRDના જવાનો સહિતના જવાનો ખડેપગે છે. સભાના એન્ટ્રી ગેટ પર વોકી-ટોકી, બેગેજ સ્‍કેનર દ્વારા સભાસ્થળમાં પ્રવેશ મેળવનારા તમામનું સ્ક્રીનિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. સભાસ્‍થળે કંટ્રોલરૂમ તથા સીસીટીવી કંટ્રોલરૂમ મારફત ચાંપતી નજર રખાઈ છે.

જામકંડોરણાના આજુબાજુના પ્રવેશદ્વાર પર તમામ જગ્યાએ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે તેમજ ક્વિક રિસ્પોન્સની બે ટીમ, ચેતક કમાન્ડોની 4 ટીમ તથા એન્ટી મોરચા સ્ક્વોડની 6 ટીમ ખડેપગે રહી છે. કાર્યક્રમનાં તમામ સ્થળનું બોમ્બ-સ્કવોડની 4 ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સભાસ્થળે કે કાર્યક્રમમાં કોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે વિશેષ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તેમજ સભામાં આવનાર દરેક લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાનું જામકંડોરણા ગામ કે જેતપુર વિધાનસભા વિસ્તારમાં આવે છે અને આ વિસ્તારમાં આઝાદી બાદ પ્રથમ વખત વડાપ્રધાન સભા સંબોધન કરવા આવી રહ્યા છે. આજે જામકંડોરણા ખાતે PM નરેન્દ્ર મોદી જેતપુર, ધોરાજી, ગોંડલ, જસદણ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દોઢ લાખ લોકોને સંબોધન કરવાના છે અને આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. PMની આજની આ સભા ચૂંટણીલક્ષી સભા રહેશે અને એમાં તેઓ ચૂંટણીલક્ષી પ્રવચન કરશે, જેની સીધી અસર રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોઈ ચૂક ન રહી જાય એ માટે આ વખતે ખુદ નરેન્દ્ર મોદી મેદાને આવ્યા છે અને એક બાદ એક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સભા સંબોધન કરી રહ્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ કરતાં ઓછી બેઠકો મળી હતી, જેનું પુનરાવર્તન ન થાય એ માટે ભાજપ કમર કસી રહી છે.

જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠક એ રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો સમાવેશ થાય છે.

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જેતપુર વિસ્તાર પર રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાન પછી જયેશભાઈ રાદડિયાએ આ દબદબો જાળવી રાખવાની સાથો સાથ આગળ પણ વધાર્યો છે. તેવા સમયે PMની તેમના વિસ્તારમાં યોજાનારી જાહેર સભાથી ઘણા રાજકીય સૂચિતાર્થો બહાર નીકળી રહ્યા છે અને ફરી એક વખત જયેશ રાદડિયાની ટિકિટ નિશ્ચિત હોવાના સંકેત આપવામાં આવી રહ્યા છે.

error: