ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ચાર યુવતીઓના અપહરણ કરી લેવામાં આવ્યા છે. આ યુવતીઓની સાથે બાદમાં બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેને મુસ્લિમ બનાવીને નિકાહ કરવામાં આવી રહ્યા છે. હાલમાં ચોથી યુવતીનું અપહરણ એવા સમયે કરવામાં આવ્યું જ્યારે તે ઘરે પરત ફરી રહી હતી.
આ પહેલા પણ પાકિસ્તાનમાં ત્રણ હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને તેને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો. યુવતીના માતા પિતાએ આ મામલે પોલીસને ફરિયાદ આપી છે, જેમાં તેઓએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના હૈદરાબાદના ફતેહ ચૌક વિસ્તારમાંથી મારી પુત્રીનું અપહરણ કરી લેવામાં આવ્યું. પોલીસે હાલ ફરિયાદ દાખલ કરી લીધી છે પણ યુવતી ક્યાં છે તેની કોઇ જ વધુ જાણકારી સામે નથી આવી.
દરમિયાન પંજાબ પ્રાંતમાં એક હિન્દુ મહિલાની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની સાથે સામૂહિક દુષ્કર્મ પણ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે સિંધ પ્રાંતના લરકાના સિંધ સ્થિત જામિયા ઇસ્લામિયા મસ્જિદમાં અજય કુમાર નામના યુવકનું બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતુ. નવમી ઓક્ટોબરે મૌલાના રાશિદ અહમૂદ સૂમરુ, જમીયત ઉલેમા-એ-સિંધના મહાસચિવની હાજરીમાં આ ધર્માંતરણને અંજામ આપવામાં આવ્યો હતો. આ પહેલા બહાવલપૂરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અનીતા નામની યુવતીનું અપહરણ કરીને બળજબરીથી ઇસ્લામ અપનાવવા કહ્યું હતું, જ્યારે બહાવલપુરમાં જ પગાર લેવા પહોંચેલી એક કુસુમ નામની હિન્દુ મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના પર રેપ પણ કરવામાં આવ્યો હતો