ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. જે.પી.નડ્ડાની હાજરીમાં ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ. વિવિધ વિધાનસભા બેઠકોમાં સભા યોજી મતદારોને રીજવવાનો થશે પ્રયાસ.
બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેના ભાગરૂપે પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હવે મેદાનમાં ઉતર્યા છે. હવે નજીકના સમયમાં ચૂંટણી પંચ દ્વારા આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં ભાજપ પ્રચાર-પ્રસારનો કોઈપણ મોકો છોડવા માંગતુ નથી. એજ કારણ છેકે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રીઓને પણ પ્રચાર મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ સ્ટાર પ્રચારક તરીકે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા સતત પ્રચારમાં જોડાયેલાં રહે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાનીમાં બહુચરાજી બેઠકથી ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. હવે ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય એવો માહોલ છે. તેથી ભાજપ પાસે પણ પ્રચાર માટે વધારે સમય નથી વધ્યો. એજ કારણસર ભાજપે પ્રચારને વેગ આપવા માટે પહેલાંથી જ માઈક્રો લેવલનું પ્લાનિંગ કરીને રાખ્યું છે. જેના ભાગરૂપ ભાજપ દ્વારા વિવિધ વિધાનસભા બેઠકો પર ગૌરવ યાત્રા કાઢીને ત્યાં જાહેરસભાઓ કરીને મતદારોને રીજવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહેસાણાના બહુચરાજીથી કચ્છના માતાનાં મઢ સુધી ભાજપની ગૌરવ યાત્રા ચાલતી રહેશે.
ભાજપે ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોને ખૂંદી વળવા માટેનું આયોજન કરી દીધું છે. આ યાત્રામાં ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ થશે. 9 દિવસ ચાલનારી આ યાત્રામાં 9 વિધાનસભામાં જાહેરસભા યોજાશે. અલગ-અલગ પાંચ યાત્રાઓ યોજી ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાનું આયોજન કરાયું છે. પ્રથમ બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. જ્યારે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.
12થી 18 ઓક્ટોબર સુધી ચાલનારી આ ગૌરવ યાત્રામાં સ્થાનિક નેતાઓની સાથે સાથે કેન્દ્રિય નેતાઓ પણ સામેલ થશે. મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, રાવ સાહેબ દાનવે, અનુરાગ ઠાકુર, હરદીપસિંહ પૂરી, ગજેંદ્ર સિંહ શેખાવત અને ભૂપેન્દ્ર યાદવ આ યાત્રામાં જોડાશે. તો આંદોલનકારીમાંથી ભાજપના નેતા બનેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ યાત્રામાં મોટી જવાબદારી આપવામાં આવી છે. હાર્દિકને મહેસાણામાં પ્રવેશબંધી હોવાથી યાત્રા જ્યારે અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે તે જોડાશે. જ્યારે અલ્પેશ ઠાકોર મહેસાણા જિલ્લામાંથી જ યાત્રામાં સામેલ થશે. આ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચૌધરી અને અલ્પેશ ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. તો ભૂપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. નીતિન પટેલ મહેસાણામાં આગેવાની કરશે.