હપ્તા ભરવામાં આનાકાની થતાં બેન્કને છેંતરપિંડીનો ખ્યાલ આવ્યો
કલ્યાણમાં હોમલોન મેળવવા માટે બનાવટી દસ્તાવેજો સબમિટ કરીને સહકારી બેંક સાથે રૃા. ૬.૩ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ ૩૩ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
કલ્યાણમાં બેંકની શાખાના એક અધિકારી દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ૪૦૬, ૪૨૦ અને અન્ય કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો, એમ ખડકપાડા પોલીસ સ્ટેશનના ઓફિસરે કહ્યું હતું.
વર્ષ ૨૦૨૧થી ૨૬ ઘર ખરીદનારા, ચાર બિલ્ડર, એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ, હાઉસિંગ લોન કન્સલ્ટન્ટ અને અન્ય આરોપી દ્વારા કથિત રીતે ગુનો આચરવામાં આવ્યો હતો. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટે હોમલોન માટે બનાવટી દસ્તાવેજો પૂરા પાડયા હતા. જ્યારે બિલ્ડરોએ ફ્લેટના પુનવેચાણની કિંમત વધારી દીધી હતી.
જુલાઇ ૨૦૨૧થી લોન મંજૂરી કરવામાં આવી હતી. કોરવી એગ્રો, ક્રકસ રિસ્ક કંપનીના સંચાલકોએ ૨૬ જણને લોન મેળવી આપવા બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું કહેવાય છે. આ દસ્તાવેજોના આધારે બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
બેંકમાંથી લોન મંજૂરી માટે ઉમેશભાઇપ, મે. કોરવી એગ્રો પ્રા. કંપનીના સંચાલક કોકરે, મે. ક્રકસ રિસ્ક મેનેજમેન્ટના સંચાલક અને અન્ય ૨૬ કર્જદાર શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સ, શ્રી સાઇરાજ બિલ્ડર, સાઇ સૃષ્ટિ બિલ્ડર, સંસ્કૃતી બિલ્ડરે મધ્યસ્થી કરી હતી. કોરવી એગ્રો. પ્રા. લિમિટેડ કંપની સ્થાપના કરીને સંચાલકોએ આ કંપનીના ૨૬ કર્જદારને લોન જોઇતી હોવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. લોનની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવા ઉમેશભાઇપે મદદ કરી હતી.
આમ બનાવટી દસ્તાવેજોના આધારે બેંક પાસેથી ૬ કરોડ ૩૦ લાખ ૧૭ હજાર રૃપિયાની લોન લેવામાં આવી હતી. બેંકના હપ્તા ભરવાનું શરૃ થતાં જ તેમણે હપ્તા ભરવાની ના પાડી દીધી હતી. બેંક દ્વારા આ દસ્તાવેજોની ચકાસણી કરાતા આ સંપૂર્ણ કૌભાંડની જાણ થઇ હતી આ કેસની વધુ તપાસ આર્થિક ગુના શાખાએ ચાલુ કરી છે.