Satya Tv News

જમ્મુના ડેપ્યુટી કમિશનરે જમ્મુમાં એક વર્ષથી વધુ સમયથી રહેતા લોકોને રહેઠાણ પ્રમાણપત્ર આપવા માટે તમામ તહસીલદારને અધિકૃત કરતી સૂચના પાછી ખેંચી લીધી છે. તેઓને રહેઠાણના પ્રમાણપત્રના આધારે જ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. વહીવટીતંત્રના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થયો હતો. મહેબૂબા મુફ્તી, અમર અબ્દુલ્લા અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે સરકારે કોઈપણ ખુલાસા વગર પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે, આ નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરના મતદાતાના મતનું મૂલ્ય ખતમ થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે, આ કાયદો જમ્મુ-કાશ્મીર સિવાય દેશમાં ક્યાંય લાગુ નથી થતો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ જમ્મુ-કાશ્મીરના મૂળ નાગરિકોને ખતમ કરીને બહારના લોકોને વસાવવા માંગે છે. સીમાંકનની મદદથી ભાજપે તેમના રાજકીય લાભને ધ્યાનમાં રાખીને મતવિસ્તારોને વિભાજિત કરવાની યોજના બનાવી છે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, હું 23 વર્ષથી કહી રહી છું કે, કલમ 370 નાબૂદ કરવાની ભાજપની ઈચ્છા ગેરકાનૂની છે. તેઓ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ખતમ કરવા માંગે છે. જો બહારથી લોકો કેન્દ્રશાસિત પ્રદેશમાં આવે છે અહીં સ્થાયી થઈ જાય તો સ્થાનિક લોકોની સંસ્કૃતિ, સમાજ અને રોજગાર નાશ પામશે.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પણ તેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જેઓ બહારના છે તેમને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આઝાદે કહ્યું કે, બહારના લોકોએ તેમનો મત કેન્દ્રશાસિત પ્રદેશમાં ન નાખવો જોઈએ. ફક્ત સ્થાનિક મતદારોને જ મંજૂરી આપવી જોઈએ. તેઓ તેમના રાજ્યોમાં સિસ્ટમ મુજબ સીલબંધ કવરમાં મતદાન કરી શકે છે. J&Kમાં ફક્ત સ્થાનિક લોકો જ મતદાન કરે છે.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટમાં ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીમાં વિશેષ સુધારાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ વિસ્તારમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ જે લોકો વિધાનસભામાં મતદાતા ન હતા તેમના નામ હવે મતદાર યાદીમાં રાખી શકાશે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ માટે વ્યક્તિએ કેન્દ્રશાસિત પ્રદેશનો કાયમી નિવાસી હોવું જરૂરી નથી.

error: