Satya Tv News

પૂરના કહેરનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કરાંચીથી લગભગ 90 કિમી દૂર નૂરિયાબાદ નજીક સર્જાઈ હતી. પાકિસ્તાનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બુધવારે સાંજે ખૈરપુર નાથન શાહ વિસ્તારમાં જઈ રહેલી એક બસમાં નૂરિયાબાદની નજીક નેશનલ હાઈવે પર આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે અને 20 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે કહ્યું કે ઈન્ટરસિટી બસમાં 50થી વધારે પૂર પીડિતોને લઈ જવામાં આવી રહ્યા હતા. જેઓને કરાંચીમાં હંગામી ધોરણે બનાવેલા શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. આ તમામ પૂર પીડિત ખૈરપુર નાથન શાહમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, નૂરિયાબાદની નજીક એમ-9 મોટરવે પર જમશોરો અને હૈદરાબાદની નજીક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. હાલમાં મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

error: