મુંબઈ યુનિવર્સિટીએ થોડા દિવસ પહેલાં જ શિયાળુ (દિવાળી) સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જે મુજબ પરીક્ષાની તૈયારી માટે ૧૫ દિવસનો સમય જ મળતો હોવાથી તેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. બાદમાં મુંબઈ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની માગણી માન્ય રાખી પરીક્ષા દિવાળી બાદ લેવાનું જાહેર કર્યું હતું. તે મુજબ હવે નવી તારીખોની જાહેરાત થઈ ગઈ છે. નવેમ્બર મહિને યુનિવર્સિટી પરીક્ષા લેશે.
મુંબઈ યુનિવર્સિટીના પરિપત્રક મુજબ, કોમર્સ અને મેનેજમેન્ટની ટીવાયબીકોમ, એમકોમ, એમબીએ વગેરે શાખાની પરીક્ષા ૧૮મી નવેમ્બરથી શરુ થઈ વિભાગવાર ફેબુ્રઆરી મહિના સુધી ચાલશે. જ્યારે એમએની પરીક્ષાઓ ચોથી નવેમ્બરથી તો એલએલબીની પરીક્ષાઓ નવમી નવેમ્બરથી શરુ થશે. ટીવાયબીએની પરીક્ષા ૨૩ નવેમ્બરથી શરુ થઈ શકે છે. વિજ્ઞાાન અને તંત્રજ્ઞાાન શાખા તેમજ આંતરવિદ્યાશાખાકીય પરીક્ષાઓ તબક્કાવાર ચોથી નવેમ્બરથી શરુ થવાની છે.
દરમ્યાન યુનિવર્સિટીએ એક પરીપત્રકમાં સંલગ્નિત કૉલેજોને એવું પણ જણાવ્યું છે કે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ શાખાની પહેલા અને બીજા વર્ષની કૉલેજ સ્તરે લેવાતી પરીક્ષાઓ ૨૨ ઑક્ટોબર, ૨૦૨૨ સુધીમાં લઈ લેવી અને પરિણામ જાહેર કરવા બાબતની કાર્યવાહી આગળ ચલાવવી. જોકે આટલાં ઓછાં સમયમાં હવે પ્રથમ અને દ્વિતીય વર્ષની પરીક્ષાઓ કઈ રીતે થશે એ પાછો એક મૂંઝવતો સવાલ છે