છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો દ્વારા ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 16 ની કચેરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં વિકાસ કમિશ્નર કચેરી આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતા ફાયર વિભાગની 3 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનુ કામ શરૂ કર્યુ હતું. આ ઘટના આજે સવારે જૂના સચિવાલયની ઓફિસે ખુલ્યા પહેલા બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, જૂના સચિવાલયમાં આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી. જેને લઇને જાનહાનિ ટળી હતી. જોકે, કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હાલ મળતી માહિતી અનુસાર, આગને કારણે કોઇ જાનહાની થઇ હોય તેવું જાણવા મળ્યું નથી. બીજી બાજુ આ આગ લાગવા પાછળનું કારણ પણ હજી જાણી શકાયું નથી. જો કે, જૂની કચેરીમાં આગ લાગી હોવાની માહિતી મળતા કચેરીના ઉચ્ચ અધિકારીઓ પણ કચેરી ખાતે દોડી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂના સચિવાયલયમાં વર્ષો જૂના રેકોર્ડ પણ આગની ઝપેટમાં આવી ગયા હોવાની માહિતી મળી રહી છે. સૌ પ્રથમ બારીમાંથી આગના ઘુમાડા દેખાયા બાદ કચેરીમાં આગ લાગી હોવાની જાણ થતા લોકો દ્વારા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે.