Satya Tv News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના સામે આવતા જ યુનિ. તંત્ર એક્શનમાં આવી ગયું છે. ત્યારે તાજેતરમાં જ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. એટલે કે હવે પહેલાની માફક પરીક્ષાના લાઈવ CCTV કોઈ પણ જોઈ શકશે. જોકે પરીક્ષાના લાઇવ CCTV યુનિવર્સિટીની સિસ્ટમમાં જ જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ યુનિવર્સિટીએ પેપર લીક થતા મહત્વનો નિર્ણય લીધો હતો. BBA અને BComની પરીક્ષાના પેપર લીક થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવેથી તમામ પરીક્ષાઓમાં પેપર QR કોડ સાથે કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં મોકલવાનો નિર્ણય લીધો છે એટલે કે હવેથી તમામ કોલેજોને પ્રશ્નપત્રો સોફટકોપીમાં મોકલવામાં આવશે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત કોલેજોમાં પણ પેપર પહોંચી ગયા હતા. આથી હોબાળા બાદ બન્ને પરીક્ષાના પેપરો માર્કેટમાં પહોચવા અંગે તપાસ હાથ ધરાઇ હતી. જોકે આ ઘટનાની જાણ થતા જ પરીક્ષા નિયામક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર સામે ફરિયાદ પણ દાખલ કરાવાઇ હતી.

તમને જણાવી દઇએ કે, પરીક્ષાના એક દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રો પર પેપરો મોકલાય છે. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના પેપરની કોપી 12 ઓક્ટોબરે ફરતી થઈ ગઇ હતી. ખાનગી કોલેજોના સંચાલકો રાતે જ વિદ્યાર્થીઓ પાસે પેપર લખાવતા હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે પરીક્ષા નિયામકે ઘટના બાદ તાત્કાલિક પેપરો રદ કરાવ્યા હતા. તદુપરાંત પેપરલીકની આ ઘટના બાદ અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો પેપર લીકની ઘટનાઓને પગલે રોડ પર ઉતરી આવ્યા હતા. પેપર લીક મામલે રાજકારણ પણ તેજ થઇ ગયું છે.

કોંગ્રેસના કાર્યકરો પણ રાજકોટમાં પેપરલીક મામલે વિરોધમાં ઉતર્યા હતા. વિપક્ષી દળો પણ પેપર લીક મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પેપર લીકનું પગેરું હાલ સુરેન્દ્રનગર અને અમરેલી તરફ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ પ્રશ્નપત્રની કોપી કેન્દ્રમાંથી લીક થઇ છે કે પછી પ્રિન્ટિંગ સેન્ટરથી તે હજુ તપાસનો વિષય છે

error: