Satya Tv News

આમ આદમી પાર્ટીના નેજા હેઠળની દિલ્હી સરકારની નવી લિકર પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્રિય તપાસ એજન્સી EDએ દિલ્હીમાં 25થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

અહેવાલ અનુસાર EDએ શહેરના ઘણા મોટા દારૂના વેપારીઓના ઘર, દુકાન, ગોડાઉન અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. અગાઉ 16 સપ્ટેમ્બરે EDએ દિલ્હી-NCR, બેંગ્લોર, હૈદરાબાદ, નેલ્લોર અને ચેન્નાઈ સહિત દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઈડીએ હૈદરાબાદમાં જ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 7 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

લિકર પોલિસી સંબંધિત EDનો મની લોન્ડરિંગ કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની એફઆઈઆર પર આધારિત છે, જેમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને કેટલાક અમલદારોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. 19 ઓગસ્ટના રોજ સીબીઆઈએ આ કેસના સંબંધમાં સિસોદિયા, IAS અધિકારી અને દિલ્હીના ભૂતપૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્હી નિવાસસ્થાન અને સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. મનીષ સિસોદિયા પાસે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી સરકારમાં એક્સાઈઝ અને એજ્યુકેશન સહિત અનેક પોર્ટફોલિયો છે. કથિત કૌભાંડમાં અત્યાર સુધીમાં 3 ધરપકડ કરવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના આઈટી સેલના વડા વિજય નાયર અને દારૂના કારોબારના સહયોગી સમીર મહેન્દ્રુ, અભિષેક બોઈનપલ્લીના નામ સામેલ છે.

લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના મુખ્ય સચિવના અહેવાલના આધારે નવી લિકર પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ચીફ સેક્રેટરીએ 8મી જુલાઈના રોજ પોતાનો રિપોર્ટ LGને મોકલ્યો હતો, જેમાં તેમણે ગયા વર્ષે અમલમાં મૂકાયેલી એક્સાઈઝ પોલિસીમાં બેદરકારી તેમજ નિયમોની અવગણના અને તેના અમલીકરણમાં ગંભીર ક્ષતિનો આક્ષેપ કર્યો હતો. તેમાં અન્ય બાબતોની સાથે ટેન્ડરોને અંતિમ સ્વરૂપ આપવામાં અનિયમિતતા અને પસંદ કરેલ વિક્રેતાઓને ટેન્ડર પછીના લાભોનો સમાવેશ થાય છે.

દિલ્હીના મુખ્ય સચિવે ઉપરાજ્યપાલને મોકલેલા અહેવાલમાં આક્ષેપ કર્યો હતો કે દારૂ વેચનારાઓની લાઇસન્સ ફી માફ કરવાને કારણે સરકારને 144 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને આબકારી મંત્રી તરીકે મનીષ સિસોદિયાએ આ જોગવાઈઓની અવગણના કરી હતી.

ભાજપ અને કોંગ્રેસે આ કથિત કૌભાંડનો આરોપ લગાવીને દિલ્હી સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવાદ વધતાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી. આ પછી સીબીઆઈએ કેસમાં FIR નોંધીને તેની તપાસ શરૂ કરી અને તેના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે,જે સંદર્ભે EDએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

error: