છત્તીસગઢ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્ય મનોજ સિંહ મંડાવીનું રવિવારે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું છે. પાર્ટીના નેતાઓએ આ જાણકારી આપી છે. કોંગ્રેસના સંચાર એકમના વડા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે, 58 વર્ષીય માંડવીને હાર્ટ એટેક આવતાં પડોશી ધમતરી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સવારે તેમનું નિધન થઈ ગયું હતું.
કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા મંડાવી શનિવારે રાત્રે જિલ્લાના ચરામા વિસ્તારમાં તેમના પૈતૃક ગામ નથિયા નવાગાંવમાં હતા. શુક્લાએ જણાવ્યું કે, તેમણે અસ્વસ્થ હોવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમને ચારમાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. ત્યારબાદ મંડાવીને ધમતરી શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
ત્રણ વખતના ધારાસભ્ય અને બસ્તર પ્રદેશમાં પાર્ટીનો મહત્વનો આદિવાસી ચહેરો રહેલા મંડાવી 2000 થી 2003 દરમિયાન રાજ્યમાં અજીત જોગીની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દરમિયાન ગૃહ અને જેલ મંત્રી હતા.