એકની હાલત ગંભીરગેસ બોટલ બદલાવતી વખતે બોટલની કેપ ખોલતા જ પ્રેશર સાથે ગેસ નીકળ્યો અને ઘરમાં ફેલાઇ ગયો, અખંડ દીવો ચાલતો હોવાથી બ્લાસ્ટ સાથે આગ લાગી
ઉંડેરા ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત થયા છે જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી ગઇ છે. આ ઘટના ૨૦ દિવસ પહેલાની છે. તંત્ર દ્વારા આ ઘટના દબાવવાના પુરા પ્રયત્નો થયા હતા. જો કે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત થતાં આ ગંભીર ઘટના બહાર આવી છે.
ઘટના ગત તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ સાંજે ઉંડેરા ગામની નવી નગરીમાં બની હતી. કલરકામ કરતા સુભાષ પ્રજાપતિ (ઉ.૪૮) કામ પરથી સાંજે ૭ વાગ્યાના અરસામાં ઘરે આવ્યા ત્યારે બાજુમાં રહેતા તેમના મોટાભાઇ આત્મારામ પ્રજાપતિના ઘરમાં બૂમ પડતા તેઓ ત્યાં દોડીને પહોંચ્યા હતા. આત્મારામ પ્રજાપતિના ઘરમાં તેમનો પુત્ર રાહુલ પ્રજાપતિ (ઉ.૨૭) ગેસનો બોટલ બદલાવી રહ્યો હતો આ દરમિયાન નવા બોટલની કેપ ખોલતા જ બોટલમાંથી ભારે પ્રેશરથી ગેસ છૂટયો હતો આથી રાહુલ અને સુભાષ બન્ને બોટલ લઇને ઘરની પાછળની બાજુ દોડયા હતા. રાહુલના માતા સુનિતાબેન (ઉ.૪૯) પણ તેમની સાથે હતાં.
જો કે ગેસ આખા ઘરમાં ફેલાઇ ગયો હતો. ઘરમાં નવરાત્રિ નિમિત્તે અખંડ દીવો પ્રગટાવ્યો હતો, જેના કારણે આગ પકડાઇ ગઇ હતી અને એક પ્રચંડ ધડાકો થયો હતા. રાહુલ, સુભાષ તથા સુનિતાબેન આગની લપેટમાં આવી ગયા હતા. તમામ લોકોને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાહુલનું શનિવારે અને સુભાષનું રવિવારે મૃત્યુ થયું હતું, જ્યારે સુનિતાબેનની હાલત ગંભીર છે એમ સુભાષના મોટાભાઇ રતનલાલ બાબુભાઇ પ્રજાપતિએ કહ્યું હતું.
એક કિ.મી. સુધી બ્લાસ્ટનો આવાજ સંભળાયો, નવી નગરીના લોકો દોડીને ઘરની બહાર આવી ગયા
તંત્ર દ્વારા જે ઘટનાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે ઘટના કેટલી ગંભીર છે તે પ્રજાપતિ પરિવારના શબ્દોમાં જ જાણો. રતનલાલ પ્રજાપતિ અને દીપક પ્રજાપતિ કહે છે કે ‘બ્લાસ્ટ એટલો મોટો હતો કે તેનો અવાજ એક કિ.મી. સુધી સંભળાયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.
મૃતક રાહુલ અને સુભાષભાઇના ઘરના જ નહીં,આસપાસના ચાર ઘરના છાપરા ઊડી ગયા હતા. રાહુલ અને તેના પડોશીના ઘરમાં સીતાફળના બે ઝાડ હતા આ બન્ને ઝાડ પણ બ્લાસ્ટમાં ઉખડી જઇ સળગી ગયા હતા. રાહુલના ઘરનો તો સામાન બળીને રાખ થઇ ગયો છે. રાહુલના પિતાનું ઘણા સમય પહેલાં જ અવસાન થઇ ચૂક્યું છે. તેની વિધવા માતા સુનિતાબેને જ તેને મોટો કર્યો હતો. ડિપ્લોમા કરીને રાહુલ કમાતો થયો હતો, પરંતુ બ્લાસ્ટમાં તેનું મૃત્યુ થઇ ગયું.
ઉંડેરા નવી નગરીમા જ રહેતા રાયસિંહ સોલંકી કહે છે કે ૨૦ દિવસ પહેલાં આટલી ગંભીર ઘટના બની હોવા છતાં અમારી નવી નગરીમાં આજ સુધી કોઇ અધિકારી કે નેતા ફરક્યો નથી. બે જણનાં મોત થઇ ગયા છતાં આ વિસ્તારના કોઇ આગેવાનોએ મુલાકાત લીધી નથી કેમ કે આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને ગરીબોના જીવની કોઇ કિંમત નથી.
રાયસિંહ સોલંકી કહે છે કે ગેસના બોટલની કેપ ખોલતા જ ગેસ પ્રેશર સાથે લીક થયો હતો. ઇન્ડેન કંપનીનો ગેસનો બોટલ હતો. રિફાઇનરી ટાઉનશીપમાં આવેલી એજન્સીમાંથી ૧૦ થી ૧૨ અધિકારીઓ ચેકિંગ માટે આવી ગયા. ગેસનો નવો બોટલ અને ગેસની સગડી પણ આપી, પરંતુ બે જીવ ગયા એ થોડા પાછા આવવાના છે. ગેસ એજન્સીની બેદરકારીથી આ દુર્ઘટના બની છે તેની સામે પગલાં લેવાવા જોઇએ.