Satya Tv News

વડોદરાની એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બર્થ-ડે પાર્ટી દરમ્યાન હોટલની એક બેદરકારીના કારણે 3 વર્ષીય માસૂમનું પાણીની નીકમાં પડવાથી મોત નિપજ્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં એક કરૂણ ઘટના ઘટી હતી. જેમાં હોટલની અંદર એક 3 વર્ષીય બાળક રમતા-રમતા પાણીની ખુલ્લી નીકમાં પડતા તેનું મોત નિપજ્યું છે.

બેંક ઓફ બરોડા અલકાપુરી બ્રાન્ચમાં ફરજ બજાવનાર કર્મચારીના 6 વર્ષના પુત્ર સાથે અભ્યાસ કરતી એક બાળકીનો બર્થ ડે હોવાથી બાળકીના માતા-પિતાએ શનિવારે એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં આ કર્મચારીના 6 વર્ષનો મોટો પુત્ર અને 3 વર્ષનો નાનો પુત્ર રેયાંશ પોતાની માતા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં મ્યુઝિકના ઘોંઘાટમાં ધમાલ મસ્તી ચાલી રહી હતી એ દરમ્યાન રેયાંશ રમતા-રમતા એકાએક ગુમ થઇ ગયો હતો. આથી થોડાક સમય સુધી રેયાંશ નજરે નહીં પડતા લોકોએ તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે પાર્ટી હોલની બાજુમાં જ બનાવવામાં આવેલી પાણીની નીકમાં રેયાંશ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો હતો. ૩ ફૂટ ઊંડી આ નીકમાં 2 ફૂટ પાણી ભરેલું હતું. ત્યારે રેયાંશ પાણીની નીકમાં અભાન અવસ્થામાં મળી આવતા રેયાંશને તુરંત ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો કે જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આ ઘટના અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઇએ કે, અલકાપુરીની એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રેસ્ટોરન્ટની આસપાસ પાર્ટી લોન છે. રેસ્ટોરન્ટ અને પાર્ટી લોનની વચ્ચેથી પાણીની એક નીક પસાર થાય છે. આ નીક ખુલ્લી હોવાથી શનિવારના રોજ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં ૩ વર્ષના બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે હોટલમાં બાળકોની બર્થ ડે પાર્ટી દરમ્યાન તકેદારી માટે હોટલ સંચાલકે આ નીક બંધ કરવી જોઇતી હતી. ત્યારે હોટલની આ ગંભીર બેદરકારી બદલ હોટલ સંચાલક સામે ગુનો નોંધવામાં આવશે તેમ પોલીસનું કહેવું છે.

આ ઘટનામાં સૌથી વધુ દુ:ખદ બાબત એ છે કે, મૃત્યુ પામનાર રેયાંશનો ગઇકાલે રવિવારે બર્થ ડે હતો. રેયાંશ ચોથા વર્ષમાં પ્રવેશવાનો હતો એટલે કે તેનો પરિવાર પણ રેયાંશના બર્થ ડે પાર્ટીનું આયોજન કરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ આગલા જ દિવસે એટલે કે શનિવારની સાંજે પાણીની નીકમાં ડૂબી જતા રેયાંશનું મૃત્યુ થતાં તેના પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

error: