મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપે શિવસેનાના ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેની તરફેણમાં પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવન કુળેએ આ જાહેરાત કરી હતી.
અંધેરી પૂર્વના ધારાસભ્ય રમેશ લટકેના નિધનથી આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તારીખ ત્રીજી નવેમ્બરે યોજવાની છે. તેના માટે ભાજપ તરફથી મુરજી પટેલ અને ઉદ્ધવજી તરફથી સ્વ રમેશ લટકેના પત્ની ઋતુજા લટકેએ ફોર્મ ભર્યું છે.
ઋતુજા આ ચૂંટણીના લડી શકે તે માટે એકનાથ સરકારે ભારે ધમપછાડા કર્યા હતા ઋતુજા મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી હોવાથી તેમણે ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું . પરંતુ રાજ્ય સરકારના ઈશારે મહાપાલિકાએ આ રાજીનામાં પત્ર દબાવી રાખ્યો હતો. છેવટે ઉદ્ધવ જૂથે હાઇકોર્ટમાં ધા નાખતા બોમ્બે હાઈકોર્ટે મહાપાલિકાને આકરા ઠપકા સાથે ઋતુજાનું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું હતું એ પછી શિંદે જૂથે આ બેઠક પર ભાજપ નહીં પરંતુ પોતે લડે તેવું આગ્રહ સેવ્યો હતો પરંતુ ભાજપ એ તેનો સ્વીકાર કર્યો ન હતો.
હજુ ગઈકાલે મનસેના નેતા રાજ ઠાકરે એ ભાજપના નેતા અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ને એક પત્ર પાઠવી ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાય તે માટે ભાજપ તેનો ઉમેદવાર પાછો ખેંચી લે તેવી અપીલ કરી હતી . રાજે જણાવ્યું હતું કે સ્વ રમેશ લટકે ને અંજલિ રૂપે આ ચૂંટણી બિન હરીફ થવી જોઈએ . શિંદે જૂથના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ રાજની આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.