જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતા શખ્સે વેવીશાળનું માંગુ નાખેલ જેનો ઈન્કાર કર્યાની અદાવત રાખી આજે યુવતી તેની બહેનો અને માસી સાથે ખેતરે ખેતમજુરી કરવા માટે જઈ રહી હતી. તે વેળાએ શખ્સે આંતરી જીવલેણ હુમલો કરી રસ્સાની લાકડીના ઘા ફટકારી દઈ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બહેનને બચાવવા બે બહેનો વચ્ચે પડતા તેને પણ લાકડીઓના ઘા ફટકારી શખ્સ ફરાર બન્યો હતો. જ્યારે રક્ત રંજીત ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘસી ગયો હતો.
બનાવની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતા ઉષાબેન મનુભાઈ ગોહીલ (ઉ.વ. ૨૦)એ ખુંટવડા પોલીસ મથકમાં આજ ગામના અશ્વિન દેવાભાઈ ચુડાસમા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, અશ્વિનના માતા લાભુબેને આજથી નવ મહીના પહેલા તેના મોટાબેન ચંદ્રિકાબેન સાથે અશ્વિનના વેવીશાળ અંગે માંગુ નાખેલ પરંતુ તેઓના માતાએ તેની સાથે વેવીશાળ કરવાની ના પાડી દીધી હતી. તે વાતની દાઝ રાખી આજે સવારે ૮.૨૦ કલાકના અરસા દરમિયાન તેઓ, તેના મોટાબેન ચંદ્રિકાબેન, માસીની દીકરી સેજલબેન મોહનભાઈ, માસી વનિતાબેન અને આશાબેન ચોથાભાઈ તમામ તેઓના ગામના પરેશભાઈ લક્કડની બેડા જવાના માર્ગ ઉપર આવેલ વાડીએ ખેતમજુરીના કામે ચાલીને જઈ રહ્યા હતા. તે વેળાએ નદી વટી રોડ ઉપર અશ્વિને અલંગના રસ્સાવાળી લાકડી સાથે ઘસી આવી તેના મોટાબેન ચંદ્રિકાબેનને આંતરી અપશબ્દો આપી તે અને તારી બાએ મને વેવીશાળ કરવાની ના પાડી મારી વાતો કરી ગામમાં મારી આબરૂનો ધજાગરો કરેલ છે. તેમ કહી મારી નાખવાના ઈરાદે ચંદ્રિકાબેન પર હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે તેઓ અને તેની માસીની દીકરી સેજલબેન ચંદ્રીકાબેનને બચાવવા માટે વચ્ચે પડતા અશ્વિને આડેધડ લાકડીના ઘા ઝીંકી નાસી છુટયો હતો.
દરમિયાન તેને તેમજ તેના બન્ને બહેનોને ઈજાગ્રસ્ત હાલતે મહુવા સરકારી દવાખાને ખસેડતા ફરજ પરના ડોકટરે ચંદ્રિકાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉક્ત રક્તરંજીત ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. જ્યારે પોલીસને જાણ થતા પીએસઆઈ સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને ખુંટવડા પોલીસે અશ્વિન દેવાભાઈ ચુડાસમા વિરૂધ્ધ આઈપીસી. ૩૦૨, ૩૨૩, ૫૦૪, તેમજ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
હજુ થોડા દિવસ પહેલા જ જેસર તાલુકાના ઈંટીયા ગામે વાડીના શેઢે માલઢોર ચરાવવાની ના પાડયાની અદાવતે આઠ શખ્સે આધેડ ઉપર હુમલો કરી કુહાડી, પાઈપ, લાકડીના જીવલેણ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. જ્યારે મૃતકના પત્ની અને બે દિકરાને ગંભીર ઈજા પહોંચાડી હતી. જે કેસને લઈ પોલીસે આઠેય શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. હજુ એક રક્તરંજીત ઘટનાની શાહી સુકાઈ નથી ત્યા આજે શનિવારે જેસર તાલુકાના ભાણવડીયા ગામે વેવીશાળ કરવાની ના પાડયાની દાઝ રાખી શખ્સે જીવલેણ હુમલો કરી યુવતીની હત્યા કરી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે.