બે દિવસ પહેલા ઘાટીમાં એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે મજૂરોના મોત થઈગયા છે. મૃતક મજૂર મુશીર કુમાર અને રામ સાગર બંને કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓએ મોડી રાત્રે સૂતી વખતે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી લીધી છે અને લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. આ પહેલો મામલો નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને મારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી.
ADGP કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, એલઈટીના આતંકવાદી ઈમરાન બશીર ગનીએ શોપિયાં વિસ્તારના હરમનમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં બે મજૂરો માર્યા ગયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે.
બે દિવસ પહેલા ઘાટીમાં એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી. આ પછી ફરીથી બે બહારી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘાટીમાં સક્રિય આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોમાંથી રહેતા લોકો પર સતત હુમલા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બે મજૂરોની હત્યા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને હુમલાખોરોની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોને ગામમાંથી જ એક આતંકીને પકડવામાં સફળતા મળી છે.
વધુ વાંચો: ફરી આતંકીઓના ટાર્ગેટ પર કાશ્મીર પંડિતો : શોપિંયામાં પુરન કૃષ્ણ ભટ્ટની ગોળી મારી હત્યા
કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, શોપિયાંમાંથી એક હાઈબ્રિડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ ઈમરાન બશીર ગની તરીકે થઈ છે. અધિકારીઓએ કહ્યું કે, તે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. ADGP (કાશ્મીર પોલીસ)એ જણાવ્યું કે, હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે