Satya Tv News

સ્વર્ગસ્થ વકીલોના પરિજનોને રૂ.૫૦ હજારથી લઇ એક લાખ સુધીની આર્થિક સહાય મળશે

ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફઁડ અન્વયે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફીના ત્રણ હપ્તા સુધીની રકમ નહી ભરી હોય તો પણ સ્વર્ગસ્થ વકીલોના આશ્રિતોને રૂ.૫૦ હજારથી લઇ રૂ.એક લાખ સુધીની વેલ્ફેર ફંડની સહાય ચૂકવવામાં આવશે. દિવાળી પહેલાં ગુજરાત બાર કાઉન્સીલને રાજયના સ્વર્ગસ્થ વકીલોના હિતમાં આજે સૌપ્રથમવાર આ પ્રકારનો મહત્વનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત બાર કાઉન્સીલની આજરોજ મળેલી સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય અંગે શિસ્ત સમિતિના ચેરમેન અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેર સહિત રાજયભરના આશરે ૨૨૫થી વધુ વકીલો વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી શકયા ન હતા. જેના કારણે મૃત્યુ પામનાર આ ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુ સહાયના લાભથી વંચિત રહી ગયા હતા. જેથી આજની બેઠકમાં આવા રિન્યુઅલ ફીના ત્રણ હપ્તા નહી ભરી શકનાર સ્વર્ગસ્થ વકીલોના વારસોને રહેમરાહે મરણોત્તર સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, રિન્યુઅલ ફીનો એક હપ્તો નહી ભર્યો હોય તેવા સ્વ.વકીલોના વારસોને રૂ.એક લાખની સહાય, બે હપ્તા નહી ભર્યા હોય તેવા સ્વ.વકીલોના આશ્રિતોને રૂ.૭૫ હજારની સહાય અને ત્રણ હપ્તા નહી ભર્યા હોય તેવા સ્વ.વકીલોના પરિજનોને રૂ.૫૦ હજાર સુધીની રકમ સહાય પેટે ચૂકવાશે. આમ તો નિયમિત રીતે રિન્યુઅલ ફી ભરનારા વકીલોના કિસ્સામાં સામાન્ય સંજોગોમાં સ્વર્ગસ્થ વકીલોના વારસોને રૂ.૩.૫૦ લાખની મૃત્યુ સહાય ચૂકવાય છે પરંતુ આ વખતે સૌપ્રથમવાર બાર કાઉન્સીલ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી સ્વર્ગસ્થ વકીલોના પરિજનોના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

error: