ખેડૂતો માટે દિવાળીએ બેવડા ખુશખબર
દરમિયાન દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો પણ તેમનાં બેન્ક ખાતામાં જમા થઇ જશે
નવી દિલ્હી : દીવાળી પહેલાં ખેડૂતો માટે બેવડા ખુશખબર છે. દેશના આશરે ૧૨ કરોડ ખેડૂતોનાં બેન્ક ખાતાંઓમાં દીવાળી પહેલાં જ પી.એમ.કિસાન યોજનાનો ૧૨મો હપ્તો જમા થઈ જશે. તો બીજી તરફ પોતાનું ટ્રેકટર વસાવવાનું તેમનું સ્વપ્ન પણ સાકાર થશે.
પી.એમ.કિસાન ટ્રેકટર યોજના નીચે તેઓ આશરે અર્ધી કિંમતે નવું ટ્રેકટર ખરીદી શકશે. હકીકતમાં કેન્દ્ર એ રાજ્ય સરકારો, ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સારી કરવાની એક પછી એક યોજનાઓ ઘડી જ રહી છે.
વડા પ્રધાન કિસાન ટ્રેક્ટર યોજના નીચે ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે ૨૦થી ૫૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી યોજના નીચે અપાતી રકમ ટ્રેકટરની મૂળકિંમત સાથે જોડાયેલી છે. પરંતુ ખેડૂતે તે ઉપર લાગુ પડતા જી.એસ.ટી. અને અન્ય ખર્ચ ભોગવવા પડશે.
આ માટે સરકારે અરજીઓ માગી છે. તે સાથે ખેડૂતે પોતાનું આધાર-કાર્ડ, પેનકાર્ડ આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર બેન્ક ખાતાની વિગતો તથા પાસબુકની નકલ, તથા પાસપોર્ટ સાઇઝ ફોટો આપવો પડશે.
આ અંગે વધુ માહિતી માટે ખેડૂતે નજીકના કૃષિ વિભાગની ઓફીસનો સંપર્ક સાધવો તેમ પણ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
અર્ધી કિંમતે ટ્રેકટર મળે તે માટે જરૂરી બાબતો નીચે પ્રમાણે છે :
(૧) ખેડૂતને પોતાની માલિકીની ખેતી યોગ્ય જમીન હોવી જોઇએ.
(૨) બેન્ક-એકાઉન્ટ આધાર અને પાનકાર્ડ સંકળાયેલો હોવો જરૂરી છે.
(૩) તે ખેડૂત કુટુમ્બની વાર્ષિક આવક ૧.૫ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ.
(૪) તેની પાસે પહેલાંથી જ ટ્રેકટર ન હોવું જોઇએ.
(૫) આવા એક ખેડૂતને એક જ ટ્રેકટર ખરીદવા માટે સબસીડી મળશે.