રશિયાના હુમલાઓમાં સામાન્ય નાગરિક, બાળકો અને ગર્ભવતી મહિલાઓની પણ હત્યા થઈ રહી છે
ડ્રોન ટાર્ગેટ પર વિસ્ફોટ કરીને ભારે વિનાશ કરે છે
આ ડ્રોન 2,000 કિલોમીટર સુધી ઉડે છે
સામાન્ય નાગરિકોની હત્યા થઈ રહી છે, સગર્ભા મહિલાઓ પણ નિશાને
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 8 મહિના વીતી ગયા છે પરંતુ તે અટકવાને બદલે વધી રહ્યું છે. મહિનાઓથી યુક્રેનના શહેરો પર આર્ટિલરી અને ટેન્ક વડે હુમલો કરી રહેલા રશિયાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક જગ્યાએ યુક્રેની સૈનિકોએ તેના સૈનિકોને ઘેરીને બંદુકો સહિત પાછા ફરવાની ફરજ પાડી હતી. હવે રશિયાએ ઓછી મહેનતમાં વધુ નુકસાન કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. રશિયાએ ડ્રોન દ્વારા યુક્રેન ઉપર હુમલા કરવાનું શરૂ કર્યું છે. આ હુમલાઓથી તે રાજધાની કિવમાં વિનાશ કરી રહ્યું છે. મોટી મોટી ઈમારતો જમીન ઉપર પડી રહી છે. આ કારણે યુક્રેન મોટા સંકટનો સામનો કરી રહ્યું છે.
ઈરાનમાં બનેલા આ ‘કેમિકેઝ ડ્રોન’ રશિયા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે. અત્યાર સુધી રશિયાએ યુક્રેન પર માત્ર મિસાઈલો દ્વારા હુમલાઓ કર્યા હતા, જે એટલા નિષ્ફળ ગયા હતા પરંતુ હવે ડ્રોન દ્વારા તેને એક એવું અચૂક હથિયાર મળી ગયું છે જેના વડે યુક્રેનનો નાશ કરી રહ્યું છે. આત્મઘાતી પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં મોટી માત્રામાં વિસ્ફોટકો ભરેલા હોય છે અને તે ટાર્ગેટની પાસે જઈને ફાટી જાય છે. તેનાથી દુશ્મનને મોટુ નુકસાન થાય છે. તેના દ્વારા રશિયા હવે યુક્રેનનાં શહેરી કેન્દ્રો, ઈન્ફ્રાસ્ટ્રકચર અને પાવર સ્ટેશનો પર પણ હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખર્ચની દ્રષ્ટિએ પણ ખૂબ સસ્તા છે.
સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે, આ ડ્રોન ક્રુઝ મિસાઈલથી પણ વધુ ઘાતક સાબિત થઈ રહ્યા છે. તેઓ ટાર્ગેટ ઉપર ફરે છે અને પછી ઝડપથી નીચે આવતા વિસ્ફોટ થઈ જાય છે. A શેપમાં બનેલા આ ડ્રોન ઝડપથી ઉડે છે. યુક્રેમ માટે મુખ્ય ચિંતા એ છે કે હવે તે પોતાના શસ્ત્રો ક્યાં રાખે. આ આત્મઘાતી ડ્રોન 2,000 કિલો મીટર સુધી ઉડી શકે છે અને ટાર્ગેટ પર પડતા પહેલા લાંબા સમય સુધી હૉવર કરી શકે છે. આ ડ્રોનના હુમલાઓએ યુક્રેનની રણનીતિ બગાડી દીધી છે. રશિયા હવે ડ્રોન દ્વારા રાજધાની કીવ સહિત અનેક શહેરો પર હુમલો કરી રહ્યું છે.
જો કે આ હુમલાઓ માટે વિશ્વભરમાં રશિયાની નિંદા થઈ રહી છે. યુક્રેનનાં અનેક રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવમાં આવી રહ્યા છે તેમાં સામાન્ય નાગરિકોના મૃત્યુની માહિતી મળી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની ઉલેના ઝેલેન્સકીએ પણ આવા જ એક હુમલાની તસવીર ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, 3 લોકો માર્યા ગયા છે તેમાં એક સગર્ભાનો પણ સમાવેશ થાય છે. રશિયાના હુમલાઓમાં સામાન્ય નાગરિક, બાળકો અને ગર્ભવતી મહિલાઓની પણ હત્યા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, અમારા પરિવારના સભ્યોને મારનારાઓને અમે ક્યારેય માફ નહીં કરીએ, અમે ભૂલીશું નહીં. યુક્રેનની ઓથોરિટિઝનું કહેવું છે કે કિવમાં આ હુમલાઓમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય સુમી વિસ્તારમાં પણ 4 લોકોની મૃત્યુ થઈ છે.