બનાવની વિગત મુજબ રાત્રે 2.15 વાગ્યાની આસપાસ અમરેલીથી સુરત જતી લક્ઝરી બસમાંથી આંગડિયા લૂંટની ઘટના બની. તે જ બસના કેટલાક મુસાફરો ગુનેગાર હતા અને તેઓએ ચાર કારનો ઉપયોગ કરીને બસને રોકી હતી. આ વ્યક્તિઓએ બે દેશી બનાવટની પિસ્તોલથી ધમકી આપીને ચાર બેગ લૂંટી હતી.
ઘટના બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ખેડા આણંદ તરફની દિશામાં નાકાબંધી કરી. દરમિયાન પોલીસે આણંદની ટીમ સાથે સંકલન કરીને આરોપીઓ આંગડિયા પેઢીમાંથી લૂંટ કરીને જુદી જુદી દિશામાં જતા હતા ત્યારે બે આરોપીને પકડી પાડ્યા હતા. અમદાવાદની ટીમ તેમની પાછળ ટ્રેકિંગમાં જ હતી અને વિસ્તારને કોર્ડન અને સર્ચ કરીને વધુ 7 આરોપીઓને પકડી લીધા હતા. જોકે આ લૂંટના બનાવમાં કુલ 13 આરોપી ઝડપાયા છે. બે પિસ્તોલ અને અનેક ચાકુ મળી આવ્યા છે. લૂંટની કિંમતની તપાસ ચાલી રહી છે પરંતુ અંદાજ કરોડો રૂપિયાનો છે.