યુપીના મેરઠની સુભારતી મેડિકલ કોલેજના ચોથા માળેથી BDSની વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી હતી. તેની હાલત ગંભીર છે. તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં વિદ્યાર્થિની છલાંગ લગાવતા જોવા મળે છે. જ્યારે તેની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે છલાંગ લગાવ્યાના બે-ત્રણ કલાક પહેલાં વિદ્યાર્થિની મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી.
તેણે કહ્યું, “હું ઉપર જાઉં છું, ત્યાંથી સેલ્ફી લેવી છે. હવામાન પણ સારું છે. આ પછી વિદ્યાર્થિની અચાનક રેલિંગ પર ઊભી રહી ગઈ. નીચે વિદ્યાર્થિઓએ બૂમો પાડી કે કૂદીશ નહીં, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં અને તેણે ત્યાંથી નીચે ઝંપલાવી દીધું હતું.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર 20 વર્ષીય વિદ્યાર્થિની લિસાડીગેટ વિસ્તારના રશીદનગરમાં રહે છે તેમજ સુભારતી મેડિકલ કોલેજમાં બીડીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે સાંજે તે કોલેજના ટોપ ફ્લોર પર પહોંચી હતી, ત્યાંથી તેણે નીચે ઝંપલાવ્યું હતું.
વિદ્યાર્થિની જ્યાં પડી ત્યાં પાર્ક અને ગ્રીનરી છે. ગંભીર હાલતમાં કોલેજ તંત્ર દ્વારા તેને તાત્કાલિક કેમ્પસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. એક પગમાં ઈજા થઈ. તેની હાલત નાજુક હોવાથી તેને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થિનીએ છત પરથી છલાંગ લગાવવાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ કહે છે કે તેમની વિદ્યાર્થિની સાથે મોબાઈલ પર વાત થઈ હતી, પરંતુ તેણે કશું જણાવ્યું નહોતું. પોલીસ હવે વિદ્યાર્થિનીની કોલ ડિટેઈલ ચકાસી રહી છે, સાથે જ પરિવારના સભ્યોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યાં છે. અત્યારસુધીની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એ છે કે વિદ્યાર્થિનીએ હતાશામાં ભયજનક પગલું ભર્યું છે, સાથે જ સાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે કૌટુંબિક અને અંગત કારણસર તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.
એસપી દેહાત કેશવ કુમારે કહ્યું હતું કે વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે તપાસ બાદ જ કંઈ કહી શકાશે.