Satya Tv News

હેકરે 1,000 રાજકારણી, કલાકારો, પત્રકારો, એલજીબીટીક્યુ કાર્યકરો, ડ્રગના વ્યસની સહિતનો ડેટા વેચવાની ધમકી આપી

એક સાઈબર ક્રિમિનલે ઓસ્ટ્રેલિયન હેલ્થ ઈન્સ્યોરરના ગ્રાહકોનો ડેટા ચોરી કરીને કંપની પાસે ખંડણી માગી છે. હેકરે ગ્રાહકોના નિદાન અને સારવાર સહિતનો ડેટા ચોરી લીધો છે અને તેણે નાણાં ચૂકવવામાં નહીં આવે તો ડેટા થર્ડ પાર્ટીને વેચી દેવાની ધમકી આપી છે. ઓસ્ટ્રેલિયામાં એક મહિનામાં કંપનીઓ પર આ બીજો મોટો સાઈબર હુમલો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન હેલ્થ ઈન્સ્યોરર મેડિબેન્ક ગ્રાહકોના ચોરાયેલા પર્સનલ ડેટા માટે હેકર સાથે વાટાઘાટો કરવા માગે છે તેવી જાહેરાત કરતાં પોલીસે વીમા કંપનીને ‘ક્રિમિનલ’ ગણાવ્યા પછી બુધવારથી ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીસ એક્સચેન્જ પર મેડિબેન્કના શૅર્સમાં ટ્રેડિંગ અટકી ગયું છે. મેડિબેન્ક ૩૭ લાખ ગ્રાહકો ધરાવે છે. કંપનીએ ગુરુવારે કહ્યું હતું કે, હેકરે તેના ચોરેલા ૨૦૦ ગીગાબાઈટ્સના ડેટામાંથી ૧૦૦ કસ્ટમર પોલિસીના સેમ્પલ પૂરા પાડયા હતા.

હેકરે ગ્રાહકોના નામ, સરનામા, જન્મ તારીખ, નેશનલ હેલ્થ કેર આઈડેન્ટિફિકેશન નંબર અને ફોન નંબર્સ જેવી અંગત વિગતો ચોરી લીધી છે. સાઈબર સિક્યોરિટી મંત્રી ક્લેર ઓ’નેલે કહ્યું હતું કે, ગ્રાહકોના તબીબી નિદાન અને સારવારની પ્રક્રિયાના રેકોર્ડ્સની ચોરી સૌથી ચિંતાજનક બાબત છે. નાણાકીય ગૂનો સૌથી ભયાનક બાબત છે, પરંતુ અંતે, ક્રેડિટ કાર્ડ બદલી શકાય છે. જોકે, ઓસ્ટ્રેલિયનોની ખાનગી, અંગત સ્વાસ્થ્યની માહિતી જાહેર કરવાનું કૃત્ય કાયરતાપૂર્ણ અને અસ્વીકૃત છે.

હેકરે મેડિબેન્કનો ડેટા થર્ડ પાર્ટીને વેચી દેવાની ધમકી આપી છે, જેમાં ૧,૦૦૦ રાજકારણીઓ, મીડિયા પર્સનાલિટી, કલાકારો, એલજીબીટીક્યુ કાર્યકરો અને ડ્રગ વ્યસનનું જોખમ હોય તેવા લોકોનો સમાવેશ થાય છે તેમ નાઈન નેટવર્ક ન્યૂઝના અહેવાલમાં જણાવાયું હતું. મેડિબેન્કને હેકરે લખ્યું હતું કે, અમને લોકોના રસપ્રદ નિદાન થયા હોવાનું જોવા મળ્યું છે.

ડેટા ચોરી મુદ્દે મેડિબેન્કે ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેણે ઓસ્ટ્રેલિયન સિક્યોરિટીસ એક્સચેન્જને આપેલી માહિતી સિવાય અન્ય કોઈ વિગતો પૂરી પાડવાનો ઈનકાર કર્યો હતો.

ટેલિકોમ્યુનિકેશન્સ કંપની ઓપ્ટસનો ૯૮ લાખ ગ્રાહકોનો પર્સનલ ડેટા ચોરાયાના એક મહિનામાં જ વધુ એક કંપની પર મોટો સાઈબર હુમલો થયો છે. ઓપ્ટસે ઓસ્ટ્રેલિયાની વસતીના એક તૃતિયાંશથી વધુ લોકોના વ્યક્તિગત ડેટા સાથે સમાધાન કર્યું હતું.

error: